નર્મદા જિલ્લા પ્રગતિપથ યાત્રાની શરૂઆત, રાજ્યમંત્રી અને ઈશ્વરસિંહ પટેલે કરાવ્યું પ્રસ્થાન

નર્મદા જિલ્લા પ્રગતિપથ યાત્રાની શરૂઆત, રાજ્યમંત્રી અને ઈશ્વરસિંહ પટેલે કરાવ્યું પ્રસ્થાન
બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, જીતનગર ખાતે કુલપતિ ડો. મધુકર પાડવી દ્વારા મહાનુભાવોનું સ્વાગત
રાજપીપલા : જુનેદ ખત્રી
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રકલ્પો, વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલના અવલોકનના આશયથી નર્મદા જિલ્લામાં આયોજિત ‘પ્રગતિપથ યાત્રા’નો ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતેથી લીલીઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શિવાનીબહેન મહેતા તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રગતિપથ યાત્રા બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, જીતનગર ખાતે પહોંચતા યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિસરમાં આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય દ્વારા આગંતુકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી વિકસાવવામાં આવેલી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની શૈક્ષણિક, ભૌતિક અને ડિજિટલ સુવિધાઓ તેમજ આદિજાતિ યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માહિતી આપીવા હતી. મહાનુભાવોએ યુનિવર્સિટીના વિવિધ વિકાસલક્ષી પાસાઓનું અવલોકન કરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

યુનિવર્સિટી કેમ્પસ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન 3.0 અંતર્ગત પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


