NANDODNARMADA

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગની આગોતરી તૈયારીથી 7 સુરક્ષિત પ્રસૂતિ, માતા અને નવજાત શિશુઓ સુરક્ષિત

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગની આગોતરી તૈયારીથી 7 સુરક્ષિત પ્રસૂતિ, માતા અને નવજાત શિશુઓ સુરક્ષિત

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આગોતરી અને સુવ્યવસ્થિત આયોજનબદ્ધ કામગીરીના પરિણામે માતા અને નવજાત શિશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા મળી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માંઢકના માર્ગદર્શન હેઠળ આગામી 15 દિવસ દરમિયાન પ્રસૂતિની સંભાવના ધરાવતી કુલ 142 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી જોખમગ્રસ્ત તેમજ અંતરિયાળ વિસ્તારોમાં રહેતી 55 સગર્ભા બહેનોને સમયસર નજીકના સુરક્ષિત આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે.

 

આ આગોતરી આયોજનના પરિણામે અતિભારે વરસાદ વચ્ચે પણ 7 સગર્ભા બહેનોએ સુરક્ષિત પ્રસૂતિ કરી છે. તમામ માતાઓ અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. તેમને જરૂરી તબીબી સારવાર, સતત દેખરેખ અને તમામ આવશ્યક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

 

આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ, આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ વિવિધ આરોગ્ય કેન્દ્રોની ટીમો વચ્ચે સતત સંકલન જાળવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે સંભવિત જોખમોને ટાળી સમયસર સગર્ભા મહિલાઓને સુરક્ષિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાયી.

Back to top button
error: Content is protected !!