
નર્મદા: ભારે વરસાદની આગાહીને પગલે ડેડીયાપાડાના ચાર ગામોની સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં જરૂરી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ડેડીયાપાડા તાલુકાના નવાગામ, બાયડી, વાંદરી અને પીપલોદ ગામોની સગર્ભા બહેનોનું આરોગ્ય કર્મચારીઓના સંકલનથી સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સગર્ભા બહેનોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સલામત રીતે ખસેડવામાં આવી છે, જેથી ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેમને સમયસર અને નિરંતર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે.
જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સંકલિત રીતે કામગીરી હાથ ધરી સગર્ભા મહિલાઓની સુરક્ષા અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરિયાત મુજબ આગળની કામગીરી પણ કરવામાં આવી રહી છે.





