
કૃષિ વિભાગના સંયુક્ત સચિવ ઉપસ્થિતિમાં દેડિયાપાડાના પાંચઉંમર અને જુના મોઝદા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/06/2026 – ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાંચઉંમર અને જુના મોઝદા ગામોમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ વિભાગના સંયુક્ત સચિવશ્રી હિરેન ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સંયુક્ત સચિવશ્રીના હસ્તે પ્રાથમિક શાળા પાંચઉંમર, સરકારી માધ્યમિક શાળા પાંચઉંમર તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા જુના મોઝદા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને વિવિધ ધોરણોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ-9 અને ધોરણ-11ના નવપ્રવેશી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અવસરે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), એસ.એમ.ડી.સી. (SMDC)ના સભ્યો તથા વાલીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. સંયુક્ત સચિવશ્રી હિરેન ઠાકરે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, બાળકની રૂચિ અને ક્ષમતાને નાનપણથી ઓળખી તેને યોગ્ય દિશામાં પ્રોત્સાહન આપવામાં આવે તો ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ વધુ સરળ બની શકે છે. તેમણે શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે વાલીઓના સૂચનો અને સહભાગિતાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો, શાળામાં 100 ટકા નામંકન સુનિશ્ચિત કરવાનો, ડ્રોપઆઉટ દર ઘટાડવાનો તથા શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. સાથે જ શાળા વ્યવસ્થાપનમાં વાલીઓની સક્રિય ભાગીદારી દ્વારા સરકારી શાળાઓને વધુ સશક્ત બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમના પરિણામે વાલીઓ અને શાળા પ્રશાસન વચ્ચે સંવાદ વધુ મજબૂત બન્યો, વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધ્યો, પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસરીત થયો તેમજ બાળકોના ભવિષ્ય અને કારકિર્દી ઘડતર અંગે વાલીઓમાં વધુ સભાનતા વિકસિત થઈ.
પ્રાથમિક શાળા પાંચઉંમરમાં આંગણવાડીમાં 2 તથા બાલવાટિકામાં 16 બાળકોનો પ્રવેશ નોંધાયો હતો, જ્યારે જુના મોઝદા ખાતે આંગણવાડીમાં 6 અને બાલવાટિકામાં 17 બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રીમતી રશ્મિકાબેન વસાવા, મોડેલ ડે સ્લૂક ચીકદાના ઇન્ચાર્જ આચાર્યશ્રી સુરેન્દ્રભાઈ એસ. વસાવા, સ્થાનિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના સભ્યો, મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



