રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે શાળાકીય રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ
રાજ્ય સરકાર યુવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યુ છે – જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ
નર્મદા જિલ્લામાં યોજાયેલી રાજ્યકક્ષા શાળાકીય અંડર ૧૪, ૧૭ અને ૧૯ જીમ્નાસ્ટિક સ્પર્ધા તા. ૨૯ મી નવેમ્બર સુધી ચાલશે
રાજપીપલા : જુનેદ ખત્રી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત-ગમત અધિકારી નર્મદા દ્વારા “સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-SGFI” અંતર્ગત રાજપીપલાની ખ્યાતનામ છોટુભાઈ પુરાણી વ્યાયમ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાને ખુલ્લી મુકતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી પ્રિ. કરણસિંહ ગોહિલે સ્પર્ધકોને ખેલદિલીની ભાવના સાથે રમત રમવા અને ખેલમાં જીતની સાથે હારમાંથી પણ શીખ લઈને ખામીઓ દૂર કરીને વધુ મહેનત કરીને તેમાં સુધાર કરવા અનુરોધ કરી માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું કે, એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વિદેશ મંત્રી ડો. જયશંકરના અનુદાનમાંથી રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે ખેલકૂદ માટેનું અધ્યતન જીમ્નાસ્ટિક હોલ તૈયાર થયું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે પણ જીમ્નાસ્ટિકના ઇન્ટરનેશનલ કક્ષાના સાધનો અહીં ઉપલબ્ધ કરાવીને ભવિષ્યના હોનહાર ખેલાડીઓ તૈયાર કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યુ છે. વધુમાં શ્રી ભીલે, આગામી વર્ષ ૨૦૩૬ માં યોજાનારા ઓલિમ્પિકમાં અહીંના બાળકો અદ્યતન સુવિધાયુક્ત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વધુ મેડલ લાવીને જિલ્લા અને રાજ્ય-રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪ સ્પર્ધામાં છઠ્ઠા ક્રમે રહેનાર નર્મદા જિલ્લા તથા રાજપીપલાની ગોલ્ડન ગર્લ ફલક વસાવા કે જેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને નર્મદા જિલ્લા સહિત ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. તેણીએ પણ અંબુભાઈ પુરાણી પરિસરમાં ખેલકૂદના ઉપલબ્ધ અદ્યતન સાધનોના અસરકારક ઉપયોગથી આવનાર તમામ સ્પર્ધાઓની તૈયારી કરીને વધુ મેડલો લાવવાની તત્પરતા દર્શાવી હતી.
નર્મદા જિલ્લામાં તા. ૨૯ મી નવેમ્બર સુધી ચાલનારી આ રાજ્યકક્ષા શાળાકીય અંડર ૧૪, ૧૭ અને ૧૯ જીમ્નાસ્ટિક (આર્ટિસ્ટિક, રિધમિક, એક્રોબેટિક) સ્પર્ધામાં રાજ્યના જુદા-જુદા જિલ્લાના ૩૫૦ થી વધુ રમતવીરો ભાગ લઈને પોતાના પ્રતિભાને પ્રતિબિંબિત કરશે. આ તકે રમત સાથે સંકળાયેલા ભૂતપૂર્વ નેશનલ મેડાલિસ્ટ, કોચ-હેડકોચ અને રમતવીરોને સન્માનિત કરાયા હતા.