NANDODNARMADA

નર્મદાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાના બે લિવર તથા એક કિડનીનું અંગદાન

નર્મદાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાના બે લિવર તથા એક કિડનીનું અંગદાન

 

નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૦મું સફળ અંગદાન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૦મું સફળ અંગદાન થયું હતું. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાનું અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય અજબસિંગભાઇ વસાવા તા.૨૨/૦૯/૨૦૨૪ના રોજ ગાડી પર ખુરદીથી બલગામ ખાતે જઈ રહ્યા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે અકસ્માત થયો હતો. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને ત્યાંથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ અને સારવાર કરી પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલ સુરત ખાતે તા ૨૬મીએ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરવામાં આવેલ હતાં. સઘન સારવાર બાદ હેડ ઈન્જરીના કારણે તાઃ૨૮મીએ ડો.હેમલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.

 

વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. બ્રેઈનડેડ અજબસિંગભાઇના ધર્મપત્ની રમિલાબેન, દિકરી રંજનાબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવિન્દ્રભાઇ વસાવાએ આ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી આજે તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

 

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૦મું અંગદાન થયું છે.

Back to top button
error: Content is protected !!