NANDODNARMADA

નર્મદા : ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, રાજપીપળા ખાતે RFO બેચ 2025-26નો પદવીદાન સમારોહ યોજાયો

નર્મદા : ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, રાજપીપળા ખાતે RFO બેચ 2025-26નો પદવીદાન સમારોહ યોજાયો

 

સમારોહમાં 40 નવ નિયુક્ત RFOએ શપથ ગ્રહણ કરી વન સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

 

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘સ્મૃતિ કોલેજ મેગેઝિન’નું વિમોચન કરાયું

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ (GFRC), રાજપીપળા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બેચ 2025-26ના તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 18 માસની તાલીમ પૂર્ણ કરનાર મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકના કુલ 40 વન તાલીમાર્થીઓએ શપથ ગ્રહણ કરી વન સંરક્ષણ અને વન વ્યવસ્થાપન ક્ષેત્રે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ કર્યો હતો.

ગુજરાત રાજ્યના મુખ્ય અગ્ર વન સંરક્ષક (વિકાસ અને વ્યવસ્થાપન), IFS બી. પી. પાટીએ નવ નિયુક્ત RFO ઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાલીમાર્થીઓનો સંઘર્ષ, જુસ્સો અને કાર્ય પ્રત્યેની શક્તિ જોઈને આનંદ થાય છે. તાલીમ દરમિયાન મેળવેલા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરી વન વિભાગની જવાબદારી નિષ્ઠા, સમર્પણ અને સંવેદનશીલતા સાથે નિભાવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

બી. પી. પાટીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજપીપળા સ્થિત ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજમાં દેશના વિવિધ રાજ્યોના વન વિભાગના RFO ઓને તાલીમ આપવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન ત્રણ રાજ્યોના કુલ 40 વન તાલીમાર્થીઓને 18 માસની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વન સંરક્ષણ, વન સંવર્ધન, વન વ્યવસ્થાપન સહિતના વિવિધ પાસાઓને આવરી લેતા આશરે 20 અલગ-અલગ વિષયો અંગે સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.

 

GFRC રાજપીપળાના પ્રિન્સિપાલ આર. પી. ગેલોટે વર્ષ 2025-26 દરમિયાન તાલીમાર્થીઓને આપવામાં આવેલી તાલીમ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ વન તાલીમાર્થીઓએ તાલીમકાળ દરમિયાનના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘સ્મૃતિ કોલેજ મેગેઝિન’ નું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ તાલીમ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતો વીડિયો પણ ઉપસ્થિત મહાનુભાવો તથા મહેમાનોએ નિહાળ્યો હતો. સમારોહમાં તમામ તાલીમાર્થીઓએ શપથ ગ્રહણ કરી વન સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

પદવીદાન સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવ નિયુક્ત RFOઓને ‘સન્માન એનાયત’ (Award of Honours), ‘ઉત્તીર્ણતા પ્રમાણપત્ર એનાયત’ (Award of Pass Certificate) તથા ‘ચંદ્રક એનાયત’ (Award of Medal) કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!