DEDIAPADANARMADA

નર્મદામાં કોંગ્રેસને પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ વસાવા ચૈતર વસાવાની આગેવાનીમાં ‘આપ’માં જોડાયા

*નર્મદામાં કોંગ્રેસને પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ વસાવા ચૈતર વસાવાની આગેવાનીમાં ‘આપ’માં જોડાયા*

 

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 18/06/2026 – આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા (પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ન્યાય સમિતી અધ્યક્ષ, કોંગ્રેસ નર્મદા), રાકેશભાઈ પટેલ (ધાનપુર તાલુકા મહામંત્રી, કોંગ્રેસ), જિગ્નેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા મંત્રી), તેમજ સુરસિંહભાઈ વસાવા ( મહામંત્રી) સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની જનહિતની નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની પક્ષમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત વિકલ્પ બની રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તમામ નવા જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓનું પક્ષમાં સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.

 

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે નાંદોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો પ્રકાશભાઈ અને તેમની સમગ્ર ટીમનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અમે તમામ લોકો એક ધ્યેય લઈને નીકળ્યા છીએ કે ગરીબમાં ગરીબ અને વંચિત લોકો સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની યોજનાઓ પહોંચાડીશું. આવનારા દિવસોમાં આ જોડાયેલા તમામ લોકોને સંગઠન સહિત તમામ બાબતોમાં સાથે રાખીને નાંદોદ વિધાનસભામાં પાર્ટી આગળ વધશે. આ તમામ આગેવાનોના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી અમારો આમ આદમી પાર્ટીનો પરિવાર મજબૂત બન્યો છે. આ તમામ લોકો ચૂંટણી સમયે સારા પદ અને ટિકિટની માંગણી કરીને જોડાઈ શક્યા હોત પરંતુ તેઓએ કહ્યું કે “તે લોકોને પદ કે કોઈ બીજી વસ્તુનો લોભ લાલચ નથી તેઓ ફક્ત લોકોની સેવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે” આ ખૂબ જ મોટી વાત છે. આ તમામ લોકો પાસે ખૂબ જ સારો અનુભવ છે જેનો ફાયદો નાંદોદ વિધાનસભામાં ત્રણે તાલુકામાં થશે. તો આવનાર દિવસોમાં સુચારુ આયોજન થાય અને સારી સેવાકીય પ્રવૃત્તિઓ થાય તેના માટે સૌ સાથે મળીને અમે કામ કરીશું.

Back to top button
error: Content is protected !!