
દેડીયાપાડા KVKમાં ‘ખેત બચાવો અભિયાન’નો પ્રારંભ : મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

તાહિર મેમણ – ડેડીયાપાડા – 17/06/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં જમીનના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવી પ્રાકૃતિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂત બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી. કે. શિનોરાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ખેડૂતો પોતાની જમીનના ઓછામાં ઓછા 25 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરે તો ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ઉત્પાદકતામાં વધારો અને લાંબા ગાળે વધુ નફાકારક ખેતી શક્ય બની શકે છે. તેમણે આગામી પેઢી માટે સ્વસ્થ અને ટકાઉ કૃષિ વ્યવસ્થા ઉભી કરવા પ્રાકૃતિક ખેતીને સમયની માંગ ગણાવી હતી.
ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. વાય. પંચોલીએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, તેના આર્થિક લાભો તથા ખેતીને વધુ લાભદાયી બનાવતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી એસ. એ. રાઠવા અને મદદનીશ ખેતી નિયામક શ્રી ચંદ્રેશભાઈ ચૌધરીએ ખેડૂતોને બીજ ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી, ગુણવત્તાસભર બીજોના મહત્વ અને કૃષિ ક્ષેત્રે ઉપલબ્ધ નવી તકો અંગે માહિતગાર કર્યા હતા.
કેવીકે દેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. યુ. વ્યાસ, ડૉ. વી. કે. પોશીયા તથા ડૉ. મીનાક્ષીબેન તિવારીએ જમીન પરીક્ષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નમૂનાઓ લેવાની રીત, ખાતરોના સંતુલિત ઉપયોગનું મહત્વ તેમજ ડાંગરની ઓરાણ અને યોગ્ય જાતોની પસંદગી અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં બોરીપીઠા, પાનુડા અને ખૈડીપાડા ગામોના મહિલા ખેડૂતોએ સક્રિય ભાગ લઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલો અને જમીન સંરક્ષણની પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી. મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધતો રસ અને ઉત્સાહ અભિયાનની સફળતા દર્શાવે છે.



