નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ કરજણ ડેમ સાઈટની વિઝિટ કરી પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું
કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવા કરેલી અપીલ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક થતા ડેમના ૪ ગેટ ખોલવામાં આવ્યા છે. અને કરજણ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે. ત્યારે કાંઠા વિસ્તાર અને ડેમમાં લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે અને સાવધાની સતર્કતા રાખવા જણાવ્યું છે.
આજે સાંજે ૬ કલાકે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ કરજણ ડેમ સાઈટની રૂબરૂ મુલાકાત લઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઓમપ્રકાશ પાસેથી ડેમના પાણીની આવક-જાવક અંગેની માહિતી મેળવી હતી. આ મુલાકાત વેળાએ પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી અને સંબંધિત ડેમ ખાતે ફરજ પરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે, વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. અને રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ, વરસાદની પરિસ્થિતિમાં કંઈપણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કન્ટ્રોલ રૂમના નંબર – ૦૨૬૪૦ – ૨૨૪૦૦૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.