NANDODNARMADA

નર્મદા: “ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

નર્મદા: “ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

 

એકતા નગર SRP , NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાયકલ રેલીનું આયોજન

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

વર્ષ 2019માં માનનીય વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલ “ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ”નો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક નાગરિકને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ બનાવી તંદુરસ્ત ભારતના નિર્માણ તરફ આગળ વધવાનો છે. આ અભિયાન હેઠળ દર વર્ષે 1 જૂનથી 14 જૂન દરમિયાન દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં સાયકલ રેલી, યોગ કાર્યક્રમો, ઝૂંબા ડાન્સ, વોકાથોન, રમતગમત સ્પર્ધાઓ અને આરોગ્ય જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રવિવારના રોજ એકતા નગર SRP, NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, NCC કેડેટ્સ તથા અન્ય સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ “ફિટ ઇન્ડિયા”ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી દ્વારા સૌને સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત, યોગ, રમતગમત અને સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એકતા નગરના સુંદર અને હરિયાળા વાતાવરણમાં યોજાયેલી આ રેલી દરમિયાન સહભાગીઓએ ફિટનેસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.

આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં વધતા મોબાઇલ એડિક્શન, શારીરિક નિષ્ક્રિયતા અને જંકફૂડની આદતો જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો.

 

હાલમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો કસરત અને શારીરિક પ્રવૃત્તિઓથી દૂર થઈ રહ્યા છે, જેના પરિણામે મેદસ્વિતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં સાયકલિંગ જેવી સરળ અને અસરકારક પ્રવૃત્તિ લોકોને તંદુરસ્ત જીવન તરફ પ્રેરિત કરી શકે છે.

 

કાર્યક્રમ દરમિયાન એકતા નગર SRPના કમાંન્ડન્ટ, જ્યોતિ પટેલે (IPS) જણાવ્યુ હતુ કે, એકતા નગર SRP, NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે એકતા દ્વાર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “સન્ડે ઓન સાયકલિંગ” કરવામાં આવ્યું છે.

 

નર્મદા પોલીસ, SRP જૂથ-18 અને NCC દ્વારા આયોજિત આ સાયકલ રેલી માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને “ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા”ના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક સફળ પ્રયાસ સાબિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!