રાજપીપલા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં બિન આદિવાસીઓની ભરતી મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં તમામ કેટેગરી માં જનરલ કેટેગરીની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જે સંદર્ભે આદિવાસી સંગઠનો દ્વારા આ બાબતે વિરોધ થઈ રહ્યો છે આજે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી બચાવ સમિતિ હેઠળ આદિવાસી આગેવાન ડો. પ્રફુલ વસાવા તેમજ એડ. રાજ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેમજ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જગ્યાઓ ઉપર આદિવાસીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે
આવેદનમાં જણાવ્યું છે કે એક 25 વર્ષના નવયુવાને અંગ્રેજો સામે સંઘર્ષ કરી જળ,જમીન, જંગલ અને લોક અધિકારોનું રક્ષણ કર્યું અને આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર એવા સ્વતંત્ર સેનાની,ધરતી આબા બિરસા મુંડા ના નામે રાજપીપળા ખાતે ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવામાં આવી. પરંતુ આ ટ્રાયબલ યુનિવર્સિટી મા આદિવાસી તેમજ અન્ય સમાજ ને આપવા મા આવેલ આરક્ષણ હિતો નું ઉલ્લંઘન જ થતું રહ્યું છે.
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં આદિવાસી,એસ.સી, ઓબીસી તેમજ અન્ય આર્થિક રીતે પછાત વર્ગ ને નોકરીમાંથી તદ્દન વંચિત રાખવા માટે ષડયંત્ર થઈ રહ્યા છે, ટ્રાયબલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વહીવટી સ્ટાફની ભરતીઓમાં જાતિગત ભેદભાવો રાખી ભારે અન્યાય થઈ રહ્યા હોય હાલ વહીવટી સ્ટાફ અને પ્રોફેસર ભરતી અંગે જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેને તત્કાલ રોકવા માટે હસ્તક્ષેપ કરશો તેમ જણાવ્યું હતું
આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે આ તમામ ભરતીઓની ટકાવારી જોતા સ્પષ્ટપણે દેખાય છે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલા માં આદિવાસી,એસ સી,ઓબીસી અને અન્ય સમાજને સીધો અને ભારે અન્યાય થઈ રહ્યો છે. જેથી આ તમામ ભરતી પ્રક્રિયા અન્યાયપૂર્ણ હોય તત્કાલ ધોરણે આ ભરતી પ્રક્રિયા રદ કરવાની અમે માંગ કરીએ છીએ. યુનિવર્સિટીમાં અગાઉ ની ભરતીઓ પણ આવી જ રીતે થઈ છે જે અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ ખોટી ભરતીઓ રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી હતી
એડ. રાજ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બનતી ટ્રાઇબલ યુનિવર્સિટીઓ માટે અલગથી નવી રોસ્ટર પદ્ધતિ બનાવવામાં આવે જેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક નોકરી ભરતી પ્રક્રિયામાં ક્રમ ૧ ઉપર આદિવાસી ને રાખવામાં આવે ત્યારબાદ તમામ આરક્ષણ નિતી નો અમલ કરવામાં આવે. હાલ ની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જો ભરતી થશે તો આવનારા ૫૦ વર્ષે પણ આદિવાસી ની ભરતી થશે નહીં, આ યુનિવર્સિટી મા HOD કે ડાયરેક્ટર પદ ક્યારે આદિવાસી કે અન્ય પછાત વર્ગ ને મળશે નહીં. ગુજરાત સરકાર તત્કાળ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ધારાધોરણો અને નિયમોમાં ફેરફાર કરી નવી ભરતી માટે રોસ્ટર પદ્ધતિ બનાવે નહીતો આગામી સમયમાં જલદ આંદોલન કરીશું
બોક્ષ ….
આવેદનમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર સામે આક્ષેપ…
બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલના ઇન્ચાર્જ રજીસ્ટરની ઘણી ફરિયાદો અવારનવાર આવે છે જેથી તેમને તત્કાલ ઇન્ચાર્જ રજીસ્ટાર પદે થી હટાવી દેવામાં આવે અને તેમની જગ્યા ઉપર કાયમી સક્ષમ યોગ્ય આદિવાસી રજીસ્ટરની પસંદગી કરવામાં આવે. અગાઉ પણ આ ઇન્ચાર્જ રજીસ્ટર દ્વારા પ્રોફેસરોની ગેરબંધારણીય રીતે ભરતી કરવાના પ્રયાસનો ભારે વિરોધ થતાં એ ભરતી પ્રક્રિયા રદ કરેલ હતી. ઇન્ચાર્જ રજીસ્ટર ને રજીસ્ટાર તરીકેનો ચાર્જ લઈ આખી યુનિવર્સિટી નો ગેર બંધારણીય રીતે વહીવટ કરવો છે જેથી યુનિવર્સિટીમાં કાયમી આદિવાસી રજીસ્ટરની ભરતી ને રોકવામાં આવી રહી છે. હાલની ભરતી માંથી પણ રજીસ્ટર પદને ખાલી રાખવામાં આવ્યું છે. આ બધા ગોરખધંધો હવે બંધ કરવામાં આવે.
ખાનગી બિલ્ડિંગમાં આદિવાસી વિદ્યાર્થીઓને ઘેટાં બકરાં ની જેમ રખાય છે : ડૉ. પ્રફુલ વસાવા
ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ખાનગી બિલ્ડીંગ મળતીયા મકાન માલિકો ને ભાડા ના પૈસા મળતા રહે જેથી કરીને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી સ્થાપના ને 9 વર્ષ થયા છતાં હજી સુધી કોલેજ અને હોસ્ટેલ બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ ન થવાના લીધે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓ રાજપીપળામાં જ્યાં કોઈ દુકાનો ભાડે પણ લેવા તૈયાર નથી તેવી દુકાનોમાં આદિવાસી વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ રાખવામાં આવે છે.આદિવાસી વિદ્યાર્થીઓને પોતાની પારંપરિક ખાણીપીણીથી વિપરીત પ્રકારના ભોજન આપવામાં આવે છે.આદિવાસી વિદ્યાર્થીઓની સંવેદના ને સમજી શકે તેવા સ્ટાફ કે પ્રોફેસર નથી. જેથી અમે માંગ કરીએ છીએ કે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં આદિવાસી ગૃહપતિ / ગૃહમાતા ની જ પસંદગી કરવામાં આવે.