NANDODNARMADA

નર્મદા જિલ્લામાં શાહુકારો પર સકંજો, ઓડિટ રિપોર્ટ અને માસિક-વાર્ષિક પત્રકો રજૂ કરવા પડશે

નર્મદા જિલ્લામાં શાહુકારો પર સકંજો, ઓડિટ રિપોર્ટ અને માસિક-વાર્ષિક પત્રકો રજૂ કરવા પડશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં નાણાં ધિરધાર (વ્યાજ વટાવ)નો વ્યવસાય કરતા લાયસન્સધારક શાહુકારો દ્વારા ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ કુલ ૬૯ લાયસન્સધારક શાહુકારો નોંધાયેલા છે. તમામ લાયસન્સધારક શાહુકારોએ અધિનિયમની જોગવાઈઓને આધીન રહી નાણાં ધિરધારની પ્રવૃત્તિ હાથ ધરવાની રહે છે. કાયદાની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે વાર્ષિક ૧૨ ટકા તથા તારણ વિનાના ધિરાણ માટે વાર્ષિક ૧૫ ટકા સુધીના વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે.

 

અધિનિયમની કલમ ૨૧(૧) મુજબ શાહુકારોએ તેમના માસિક તથા વાર્ષિક હિસાબો અને નિયત પત્રકો ઓનલાઈન ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર અપલોડ કરવાના રહે છે. જ્યારે કલમ ૨૩(૧) મુજબ દરેક નાણાકીય વર્ષ દરમિયાન થયેલા ધિરાણના હિસાબોનું નિયત સમયમર્યાદામાં ઓડિટ કરાવવાનું રહે છે.

 

વધુમાં, રૂ.૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ તેમના ખાતાનું દર વર્ષે વૈધાનિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું રહેશે, જ્યારે રૂ.૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહેશે.

 

કચેરી સમક્ષ માસિક તથા વાર્ષિક હિસાબો અને નિયત પત્રકો સમયસર રજૂ ન થવાના કિસ્સાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. તા. ૩૧/૦૩/૨૦૨૬ના અંતિત હિસાબોનું ઓડિટ સત્વરે પૂર્ણ કરાવી તેનો ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા તમામ સંબંધિત શાહુકારોને સૂચના આપવામાં આવી છે. આ અંગે બેદરકારી દાખવનાર અથવા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ અને શાહુકારોના નિબંધક પરેશભાઈ કણકોટિયા દ્વારા નર્મદા જિલ્લાના તમામ લાયસન્સધારક શાહુકારોને સૂચના આપવામાં આવી છે કે, ઉપરોક્ત બાબતે દિન-૭માં સ્પષ્ટતા સહિતનો ખુલાસો રજૂ કરવાનો રહેશે. જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર NIL (શૂન્ય) હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં ‘નીલ પત્રક’ કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે.

 

નાણાં ધિરધારની પ્રવૃત્તિમાં પારદર્શિતા જળવાય, ગેરકાયદેસર વ્યાજખોરી પર અંકુશ આવે અને ખાસ કરીને ગરીબ તથા આદિવાસી વર્ગના લોકોનું આર્થિક શોષણ અટકાવી શકાય તે હેતુસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના ધિરાણના વ્યવહારો, વ્યાજના દરો તથા નાણાકીય હિસાબોની નિયમિત દેખરેખથી ધિરાણ વ્યવસ્થાને વધુ કાયદેસર અને પારદર્શક બનાવવામાં મદદ મળશે.

 

નાગરિકોને પણ ધિરાણ કે લોન લેતા પહેલા સંબંધિત શાહુકારનું લાયસન્સ માન્ય છે કે નહીં તેમજ વસૂલવામાં આવતો વ્યાજદર કાયદેસરની મર્યાદામાં છે કે નહીં તેની ચકાસણી કરવા અપીલ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલાતું હોય અથવા ધિરાણના વ્યવહારમાં કોઈ અનિયમિતતા જણાય તો નાગરિકોએ તાત્કાલિક જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!