DEDIAPADANARMADA

દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

*દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

તાહિર મેમણ – ડેડીયાપાડા -:19/06/2026 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલી કૃષિ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો તેમજ દેશના વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.

 

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સુશાસન દરમિયાન વિકાસ અને જન કલ્યાણની અનેક યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે આજના સમયમાં રસાયણયુક્ત ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ બની છે. જૂની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેમિકલમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું શક્ય બનશે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે.

 

 

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી થતા નુકસાન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજી, જૈવિક ઇનપુટ્સ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ વિભાગો અને સંસ્થાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રેમિલાબેન વસાવા, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી પંકજભાઈ વસાવા તેમજ પૂર્વ મંત્રીશ્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને શ્રી શંકરભાઈ વસાવા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિપક શિનોરા, પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, શ્રી બી.વાય. પંચોલી (ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર), શ્રી એસ. એ. રાઠવા (જિલ્લા પ્રોજેક્ટ મેનેજર), શ્રી ચંદ્રેશભાઈ ચૌધરી (મદદનીશ ખેતી નિયામક), ડૉ. એચ.યુ.વ્યાસ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, KVK દેડિયાપાડા), ડૉ. વી.કે.પોશીયા, ડૉ. મીનાક્ષી તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, પ્રગતિશીલ ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!