સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢના શશીકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓ માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રીશ્રી અને સહપ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ડો.પ્રદ્યુમન વાજા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવતા લોકશાહીમાં તેમના પદની ગરિમા અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.તેમણે જણાવ્યુ હતુ કે, ચૂંટણીમાં મળેલી જીત એ હજારો નાગરિકોના વિશ્વાસ, આશા અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. લોકશાહીમાં ચૂંટણી જીતવી એ માત્ર પ્રથમ પગથિયું છે, પરંતુ હવે જનતાના દિલ જીતવા માટેની અસલી પરીક્ષા શરૂ થાય છે. આ માટે જનપ્રતિનિધિઓમાં સેવા, પારદર્શિતા અને સમર્પણની ભાવના હોવી અનિવાર્ય છે. જનતાએ પાંચ વર્ષ માટે જે અવસર આપ્યો છે, તેમાં લોક ઉપયોગી કામો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે આ તાલીમના ઉદેશ અંગે જણાવ્યુ હતુ કે, તાલીમ દ્રારા સરકારની વિવિધ યોજનાઓ, નીતિ-નિયમો અને વહીવટી પ્રક્રિયાઓ ની જાણકારી મેળવવાની સાથે સાથે તેના લાભો લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.સત્તા એ ભોગવવાનું સાધન નથી, પરંતુ “સત્તા એ સેવાનું સાધન છે, મેવાનું નહીં”. આપણને જે પદ મળ્યું છે તેને કોઈ આભૂષણ કે અલંકાર ન સમજતા, તેને જનસેવાનો એક શ્રેષ્ઠ અવસર સમજવો જોઈએ.તેમણે આ તકે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો. મંત્રી શ્રી જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીએ પંચાયતી રાજ અને સ્વરાજ્યની કલ્પના કરી હતી. વર્ષ ૨૦૧૪થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ‘સ્વરાજ્ય’ થી ‘સુરાજ્ય’ (સારું શાસન) તરફ આગળ વધી રહ્યા છીએ. આપણું લક્ષ્ય હવે ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું છે, આ વિકાસની પ્રક્રિયામાં ડિજિટલ ઇન્ડિયા, ગરીબ કલ્યાણ મેળાઓ અને સમરસ પંચાયત જેવી યોજનાઓ પાયાનો પથ્થર સાબિત થઈ છે. સાથે જ, વડાપ્રધાને આપેલ સ્વચ્છતાનો મંત્ર – “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા” – ને આપણે સૌએ ગ્રામ્ય અને શહેર સ્તરે સાકાર કરવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતની સ્થાનિક સંસ્થાઓને મજબૂત કરવા માટે ૧૬માં નાણા પંચ અંતર્ગત ૧૮,૮૦૨ કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું છે. નિર્મળ ગુજરાત ૨.૦, સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન, અને ગ્રામ્ય સ્તરે મહિલાઓ-વૃદ્ધો માટે પાયાની સુવિધાઓ અંગે પણ વિવિધ યોજનાઓ કાર્યરત છે ઉર્જા રાજ્ય મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૪૭ સુધીમાં એક મજબૂત અને ‘વિકસિત ભારત’ બનાવવાના સ્વપ્નને પૂરું કરવામાં લોક પ્રતિનિધિઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. જો ગામડું સમૃદ્ધ અને વિકસિત હશે, તો જિલ્લો અને રાજ્ય વિકસિત બનશે, જે અંતે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એક મહત્વની કડી સમાન છે. લોકાભિમુખ શાસન માટે અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રતિનિધિઓએ નાગરિકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. ભૂતકાળમાં અમલમાં મુકાયેલા ‘સરકાર આપના દ્વારે’ કાર્યક્રમની જેમ જ જિલ્લા અને તાલુકા સ્તરે અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનથી ‘લોક દરબાર’ યોજી પડતર પ્રશ્નોનો જાહેરમાં ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં તેમણે અનુરોધ કર્યો હતો. આપત્તિના સમયે, પૂરની પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કરે છે, તેવો જ સેવાભાવી અભિગમ રાખવા શીખ પદાધિકારીઓને આપવામાં આવી હતી. તેમજ સત્તાને સેવા ગણી ‘વિદ્યાર્થી’ બની કામ કરવા પણ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી લીનાબેન કાવાણીએ જણાવ્યુ હતુ કે, જનતાએ આપણને માત્ર હોદ્દો આપ્યો નથી, પરંતુ વિકાસ, પારદર્શકતા અને લોકસેવાની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. પંચાયત રાજના બંધારણ મુજબ સોંપાયેલી આ જવાબદારીઓ અને બંધારણની ગરિમા જળવાઈ રહે તે રીતે કામગીરી કરીને આપણે તાલુકા અને જિલ્લાનો આદર્શ વિકાસ કરવામાં યોગદાન આપવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓ માટેના એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી,કલેકટર શ્રી યોગેશ ચૈાધરી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીઆરડીએ નિયામક શ્રી પી.એ. જાડેજા એ કર્યું હતું અને આભાર વિધિ શશીકુંજ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ના નિયામક સુશ્રી જિજ્ઞા દલાલે કરી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






