વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: ખેરગામના બંધાડ ફળિયામાં ગત રાત્રે બાર વાગ્યાના અરસામાં એક ઘરમાં ડમ્પર ઘૂસી જતાં અફરાતફરી બચી ગઈ હતી. આ બનાવમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક છોટા હાથી ટેમ્પો અને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઉપરાંત બાજુમાં આવેલા ચાર ઘરને પણ નુકસાન થયું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.જોકે બુધવારના રોજ બને પાર્ટીઓનું સમાધાન થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના બંધાડ ફળિયામાં આવેલા પેટ્રોલ પંપની બાજુમાં ધવલ મુકેશ પટેલ રહે છે. ગત રાત્રે તેઓ પરિવાર સાથે ઘરમાં સૂતા હતા. દરમિયાન રાત્રે બાર વાગ્યાના અરસામાં બેફામ દોડી આવેલું એક ડમ્પર નં.(ડીડી વન એફ 9367) દીવાલ તોડીને ઘરમાં ઘૂસી ગયું હતું. આ બનાવમાં ઘરમાં સૂતેલો પરિવાર તુરંત બહાર દોડી ગયો હતો. જો કે, પરિવાર બીજા રૂમમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવમાં એક બાઈક અને છોટા હાથી ટેમ્પો, આંબાની કલમ, સિમેન્ટના થાંભલા સાથે બાજુમાં આવેલાં ચાર ઘરને નુકસાન થયું હતું.જોકે બુધવારના રોજ બને પાર્ટીઓનું સમાધાન થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.