નવસારી:કેસલી તળાવમાં ગેરકાયદેસર માટી ખનનનો આક્ષેપ: ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા સામે ગંભીર સવાલો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેસલી ગામ ખાતે આવેલા તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે જિલ્લા ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. આ મામલે અનેક પુરાવાઓ સાથે અહેવાલો પ્રકાશિત થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આક્ષેપો મુજબ, ગામના તળાવમાંથી કોઈપણ પ્રકારની પારદર્શક ટેન્ડર પ્રક્રિયા વિના માટી ખનન કરાવવામાં આવ્યું છે. જિલ્લા ભુસ્તરશાસ્ત્રી દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે માટી ખનન માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ખનન નિયમોનું પાલન થયું હતું કે નહીં અને રોયલ્ટી મુજબ જ માટી કાઢવામાં આવી હતી કે વધુ ખનન કરવામાં આવ્યું હતું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ખનન માટે આપવામાં આવેલી રોયલ્ટી અને પરવાનગીની સમયમર્યાદા 15 તારીખે પૂર્ણ થઈ ગઈ હતી. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તળાવની તાત્કાલિક માપણી કરીને વાસ્તવિક ખનનની સ્થિતિ જાહેર કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ચાર દિવસ વીતી ગયા છતાં કોઈ સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.
ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
એક જાગૃત નાગરિકે ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનના નેટવર્કમાં કેટલાક જવાબદાર અધિકારીઓની પણ કથિત ભાગીદારી હોઈ શકે છે. આક્ષેપ મુજબ, ઓવરલોડ વાહનો દ્વારા મોટા પાયે માટી પરિવહન કરવામાં આવી રહ્યું છે અને એક જ રોયલ્ટી પાસના આધારે અનેક ફેરા મારવામાં આવી સરકારી આવકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
જોકે, આ આક્ષેપોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ જોર પકડી રહી છે.
“માપણી અંગે તપાસ કરી જાણ કરીશ”
આ મુદ્દે જિલ્લા ભુસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “હું એક કોર્ટ મેટરમાં વ્યસ્ત હતો, માપણી થઈ છે કે નહીં તેની તપાસ કરીને તમને જાણ કરીશ.”
પરંતુ અહેવાલ તૈયાર થયો ત્યાં સુધી વિભાગ તરફથી કોઈ સત્તાવાર માહિતી કે સ્પષ્ટતા આપવામાં આવી નહોતી.
તપાસની માંગ ઉગ્ર
સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સમગ્ર પ્રકરણમાં તળાવમાંથી કેટલા પ્રમાણમાં માટી કાઢવામાં આવી, કેટલી રોયલ્ટી વસૂલાઈ અને સરકારને કોઈ આર્થિક નુકસાન થયું છે કે નહીં તેની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. સાથે જ જો કોઈ અધિકારી અથવા ખનન માફિયા સંડોવાયેલા હોવાનું બહાર આવે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કેસલી તળાવનો આ વિવાદ હવે માત્ર ગેરકાયદેસર ખનન પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સરકારી સંપત્તિના સંરક્ષણ અને જવાબદાર તંત્રની પારદર્શિતા સામે પણ મોટો પ્રશ્ન બનીને ઉભરી આવ્યો છે. હવે જિલ્લાનું વહીવટી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



