
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર, વાંસદા દ્વારા ખંભાતી લેઉવા પાટીદાર સમાજના સીતાપુર નિવાસી શ્રી શીતલ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી દિવ્યા પટેલના અમેરિકા (યુએસએ) પ્રસ્થાન પૂર્વે ભાવભીનાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના પ્રમુખશ્રી નટવરલાલ પંચાલ, મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ટ્રસ્ટીઓએ દંપતીનું જલારામબાપાની ચાંદીની પ્રતિમા અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. સમાજના આગેવાનો, સ્નેહીજનો અને ભક્તજનોએ પણ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન શ્રી શીતલ પટેલ અને શ્રીમતી દિવ્યા પટેલે મંદિર તથા સમાજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં શ્રી જલારામ મંદિર, વાંસદાને બે AC દાનરૂપે આપવાની જાહેરાત કરી હતી. તેમની આ સેવાભાવી ભાવનાને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી. સાથે જ મંદિરને ભવિષ્યમાં કોઈપણ જરૂરિયાત સમયે સહયોગ આપવા હંમેશા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
જરૂરિયાતના સમયે યોગ્ય દાન કરવું એ માત્ર મદદ નહીં પરંતુ ઉત્તમ સંસ્કાર અને સમાજપ્રતિની જવાબદારીનું પ્રતિબિંબ છે. આવા સેવાભાવી અને દાનવીર પરિવારને તથા તેમને સારા સંસ્કાર આપનાર માતા-પિતાને હૃદયપૂર્વક વંદન. સમાજ માટે પ્રેરણારૂપ બનેલો આ પ્રસંગ સૌ માટે ગૌરવ અને સંસ્કારની સુંદર મિસાલ બની રહ્યો છે.



