NAVSARI: ચીખલીના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*-:મુખ્યમંત્રીશ્રી:-*_
* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો મંત્ર આપ્યો* નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે.
* ૫.૪ ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
* ગુજરાત ડેવલપમેન્ટ મોડેલ અને પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે.
* ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે ગુજરાત રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે.
* પીએમ સૂર્યશક્તિ મફત વીજળી ઘર યોજનામાં લગભગ ૪૨ ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રિમ સ્થાને
* ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ મંત્ર સાથે રાજ્યના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું ગુજરાતના વિકાસમાં યોગદાન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાનશ્રીના વિઝન અને મિશન અંતર્ગત ગુજરાતમાં નવા વેપાર-ઉદ્યોગ વિકસે, મુડી રોકાણ વધે તે માટે વાઇબ્રન્ટ ગુજરાતની મુહિમ શરૂ કરવામાં આવી હતી. મેન્યુફેક્ચરીંગ તથા ઇનોવેશન અને નવી ઇન્ડસ્ટ્રીઝ માટેનુ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ સમીટે આપ્યુ છે. તેના કારણે ગુજરાત ડેવલપમેન્ટ મોડેલ અને પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના કારણે ગુજરાત રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે અને કક્ષાની કંપનીઓએ પોતાના યુનિટ્સ શરૂ કર્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયા જ્યારે રીન્યુએબલ એનર્જી, ગ્રીન અને કલીન એનર્જીની વાતો કરતી હતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઊર્જા ના પ્લાન્ટ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. આજનો સમય સોલર, વિન્ડ અને હાઇડ્રો એનર્જી, અને ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાત આ દિશામા સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આપણી રીન્યુએબલ એનર્જી કેપેસીટી દેશની કુલ કેપેસીટીના ૧૫ ટકા એટલે કે, ૩૨,૯૨૪ મેગા વોટ થઇ છે. કેન્દ્ર સરકારે શરુ કરેલી વિવિધ યોજાનાઓમાં પીએમ સૂર્યશક્તિ મફત વીજળી ઘર યોજનામાં લગભગ ૪૨ ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રિમ સ્થાને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ ૨૦૩૦ સુધીમાં 500 ગીગા વોટ ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ટાર્ગેટ સમય કરતાં પહેલાં પૂરો થશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાત ગ્રીન, ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપીને લીડ લેવા સજ્જ છે.
આ સાથે ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓ ગુજરાતના વિકાસમાં યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભારત રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં વિશ્વના ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે એમ કેન્દ્રીય ન્યુ અને રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીએ વારી એનર્જીસના દેશના સૌથી મોટા ૫.૪ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૪ પહેલા દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નામ પુરતુ જ કામ થયું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે વિશ્વમાં દેશની વિશ્વનિયતામાં વધારો થયો છે તેના કારણે રિન્યુએબલ એનર્જી એસોસિએશનનું વડુંમથક ભારતમાં બન્યું છે. આ એસોસિએશન મારફત દુનિયાની જે દેશો પાસે ટેક્નોલોજી નથી, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં હજૂ ઘણું કરવાનું બાકી છે એવા દેશોમાં પણ ભારત આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ કરી રહ્યું છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આગામી ૨૦૩૦ના વર્ષ સુધીમાં મોડયુઅલ મેન્યુફેકચરિંગ ૧૨૫ ગીગાવોટને પાર કરી જશે એમ કહી પોલિસિલિકોનથી લઇને સોલાર પેનલ સુધીની દરેક વસ્તુ ભારતમાં જ ઉત્પાદન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉમેર્યુ હતું.
ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે. આ તકનો લાભ લઇ ભારતના યુવા એન્જીનિયરોએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતની નેમ રાખશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ રોજગાર સર્જન અને સ્વચ્છ ઊર્જા વિકસિત ભારત પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. એમ કહી તેમણે ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે દક્ષિણ ગુજરાત સૌથી અનુકૂળ જગ્યા છે. વારી કંપનીની સાહસવૃદ્ધિ અને દૂરંદેશીના કારણે અહીંના વિસ્તારના લોકોને રોજગાર મળ્યો છે. આજે નવા પ્રસ્થાપિત થયેલા પ્લાન્ટ થકી સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થશે.
વધુમાં તેમણે જળ સંચયનું મહત્વ સમજાવી નવસારી જિલ્લામાં 1100 જેટલા જળસંચયના પ્રોજેક્ટ બની ચૂક્યા છે એમ જણાવ્યું હતું. તેમણે જનભાગીદારી થકી ગુજરાતને જળ સંચય ક્ષેત્રે દેશમાં રોલ મોડલ બને એ રીતની કામગીરી કરવા હાંકલ કરી હતી.
વારી એનર્જી લી.ના ચેરમેનશ્રી ડૉ. હિતેશ દોશીએ સ્વાગત પ્રવચન કરતા ઉદ્ધાટન કરાયેલા સોલર સેલ પ્લાન્ટ અંગે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ૫.૪ ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ ૧૫૦ એકરમાં ફેલાયેલો છે, જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત આ યુનિટ કાર્યરત થતા ૯,૫૦૦ પ્રત્યક્ષ અને ૩૦,૦૦૦ પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. જેમાં ૨,૩૦૦ પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓ અને ૨૫૦ મહિલાઓનો સમાવેશ થાય છે, જે સ્થાનિક આજીવિકાને વેગ આપે છે. ટકાઉપણું અને જળ સંરક્ષણ પહેલ રૂપે શૂન્ય-પ્રવાહી, પ્રવાહ શુદ્ધિકરણ પ્લાન્ટ દરરોજ ૪૭૦,૦૦૦ લિટર પાણીનું રિસાયકલ કરે છે. તેમણે માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં સુધારો કરતી સીએસઆર પહેલ અંગે પણ જાણકારી આપી હતી. આભાર વિધિ વારી કંપનીના ડાયરેક્ટર કિરીટભાઇ દોશીએ આટોપી હતી.
કાર્યક્રમમાં નાણા અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, રાજયસભા સાંસદ ચૌધરી, ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ પટેલ, વારી એનર્જી લી.ના અધિકારી-કર્મચારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*બોક્સ-૨*
*વારી કંપનીના 5.4 GW સોલર સેલ પ્લાન્ટ તથા કન્ટ્રોલ સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા કરાયું ઉદઘાટન*
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે દેશના સૌથી મોટા સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ તથા કન્ટ્રોલ સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સંપુર્ણ ઓટોમેટિક અને એ.આઈ સંચાલિત પ્લાન્ટના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. વારી એનર્જીના એમ.ડી. હિતેશ દોશીએ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને આ પ્લાન્ટની વિશેષતાઓ, સોલાર સેલ બનાવવાની તમામ પ્રક્રિયાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. દેશના આ સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાં ૫.૪ ગીગા વોટની પૂર્ણ ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત થતા રીનેવેબલ એનર્જી ક્ષેત્રમાં દેશને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત થશે.