
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ધરમપુર ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સુધી અભિયાન ચાલશે
ધરમપુર, તા. 5 જૂન : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ધરમપુરના કુદરતી સૌંદર્યથી ભરપૂર પીપરોલ હિલ સ્ટેશન ખાતે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ખોબા તથા ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ-નવસારીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગે પણ સહભાગી બની પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ સદીઓથી જળ, જંગલ અને જમીનના સાચા રક્ષક તરીકે કાર્ય કરતો આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરા અને તેના કારણે સર્જાતી બેકાબુ ગરમી, પાણીની અછત, નિષ્ફળ ખેતી, દુકાળ, અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આપત્તિઓ સામે લડવા માટે ગુજરાતના 14 જિલ્લાઓમાં વસતા આશરે એક કરોડ આદિવાસીઓ વ્યક્તિ દીઠ એક વૃક્ષ ઉછેરવાનો મહાસંકલ્પ લઈ રહ્યા છે. આ મહાઅભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે પીપરોલ હિલ સ્ટેશનથી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ડો. પ્રદીપભાઈ ગરાસિયા, નીલમભાઈ ખોબા, નિવૃત્ત ખેતીવાડી અધિકારી ધનસુખભાઈ, સોલાર નિષ્ણાત તેજસ પટેલ, નિવૃત્ત સચિવ અશોકભાઈ, વલસાડ જિલ્લા આદિવાસી સમાજ પ્રમુખ ઉત્તમભાઈ તથા વિલાસબેન, નવસારી ક્રિકેટ એસોસિએશનના મનહરભાઈ, કેશવભાઈ, અશોકભાઈ (આઈટીઆઈ), પ્રવીણભાઈ રાતા, હિતેશભાઈ વાંઝણા, ભાવિક, કાર્તિક, મુકેશભાઈ, પથીક, નિર્મલ, મુકુંદ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણ અભિયાનની કામગીરી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સુધી કુલ 34 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. આ અવસરે તમામ આગેવાનોએ સમાજના લોકોને પોતાના ઘર આસપાસ, શેઢા-પાળે, શાળા-કોલેજોમાં, જાહેર રસ્તાઓની બાજુએ તેમજ અન્ય ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો ઉછેરવા અને પ્લાસ્ટિક સહિતના પ્રદૂષણને ઘટાડવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાની અપીલ કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે આવનારી પેઢી માટે પૃથ્વી પર જીવન જીવવું વધુ પડકારજનક બની શકે છે. તેમણે જણાવ્યું કે વધતા તાપમાનને કારણે એર કન્ડિશનરના ઉપયોગમાં વધારો થયો છે અને અનેક સ્થળોએ આગજનીની ઘટનાઓ પણ બની રહી છે. આવી સ્થિતિમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષારોપણ અને તેનું જતન અત્યંત જરૂરી બની ગયું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર 5 જૂનના રોજ પ્રતીકાત્મક રીતે વૃક્ષો વાવવાથી કામ નહીં ચાલે, પરંતુ રોપાયેલા દરેક વૃક્ષનું નિયમિત જતન, સંવર્ધન અને રક્ષણ કરવામાં આવશે ત્યારે જ પર્યાવરણ બચાવવાનો સાચો હેતુ સિદ્ધ થશે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે આદિવાસી સમાજ દ્વારા શરૂ કરાયેલ આ હરિત અભિયાન સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.


