નવસારી: તાર ફેન્સિંગ અને ટ્રેક્ટર સહાય માટે ખેડૂતો નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ પર ક્લેમ સબમિટ કરે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોને 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અપીલ*
નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ નવસારી જિલ્લાના તાર ફેન્સિંગ યોજના તથા AGR-50 ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના હેઠળ પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરીને આઈ-ખેડૂત (i-Khedut 2.0) પોર્ટલ પર ક્લેમ તથા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા અનુરોધ કર્યો છે.
તાર ફેન્સિંગ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં તા. 01-06-2026 થી તા. 04-06-2026 દરમિયાન જિલ્લાના કુલ 283 ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. લાભાર્થીઓએ સરકારના ઠરાવ મુજબ નિર્ધારિત સ્પેસિફિકેશન અનુસાર પૂર્વમંજૂરી મળ્યાની તારીખથી 60 દિવસની અંદર તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવાનું રહેશે. કામગીરી શરૂ કરતી વખતે GPS (અક્ષાંસ-રેખાંશ) સાથેના ફોટોગ્રાફ લેવા તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ GST નંબરવાળા ખરીદી બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સહાયની દરખાસ્ત સંબંધિત તાલુકાના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)ને રજૂ કરવાની રહેશે.
વર્ષ 2026-27 માટે AGR-50 ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના હેઠળ જિલ્લાના 389 ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. લાભાર્થીઓએ સરકાર દ્વારા એમપેનલ કરાયેલા મોડલમાંથી ટ્રેક્ટરની ખરીદી કરી, RTO પાસિંગ પૂર્ણ કર્યા બાદ ખરીદી બિલ, ચુકવણીની પહોંચ, E-Way Bill (લાગુ પડતા કિસ્સામાં), RC બુક, વીમા પોલિસી, 8-અ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો તેમજ ટ્રેક્ટર સાથેનો ફોટોગ્રાફ સહિતના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્વમંજૂરી મળ્યાની તારીખથી 60 દિવસની અંદર સંબંધિત તાલુકા ખેતીવાડી કચેરીમાં રજૂ કરવાના રહેશે. સાથે જ તમામ દસ્તાવેજો i-Khedut 2.0 પોર્ટલ પર અપલોડ કરવાના પણ ફરજિયાત રહેશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે કે બંને યોજનાઓમાં પૂર્વમંજૂરી મેળવનાર લાભાર્થીઓ જો નિયત 60 દિવસની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરીને ક્લેમ તથા જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે અથવા i-Khedut 2.0 પોર્ટલ પર અપલોડ નહીં કરે તો તેમની અરજી દફતરે કરવામાં આવશે અને તેઓ સહાય મેળવવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ આ અંગે કોઈપણ પ્રકારનો દાવો કે રજૂઆત માન્ય ગણાશે નહીં.
નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ બંને યોજનાઓના તમામ પૂર્વમંજૂરી પ્રાપ્ત ખેડૂતોને સમયમર્યાદાનું પાલન કરીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા અને સરકારની સહાયનો લાભ મેળવવા અપીલ કરી છે.



