CHIKHLINAVSARI

ચીખલીના ચાસા ગામમાં જૂના ઠરાવની આડમાં માટી ખનન મામલે કરોડોનું કૌભાંડ ? તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચાસા ગામ ખાતેકેજૂના ઠરાવની આડમાં માટી વેચાણનો ખેલ હોવાની ચર્ચા, ખાણ-ખનીજ વિભાગથી લઈને આર.ટી.ઓ સુધી સવાલોના ઘેરામાં

ચાસા ગામ ખાતે ચાલી રહેલા માટી ખનનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામ પંચાયતના વર્ષ ૨૦૨૩ના જૂના ઠરાવને આધાર બનાવી કરોડોની કિંમતની માટી ગામ બહાર વેચાઈ રહી હોવાની ચર્ચાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શું આ સમગ્ર કામગીરીમાં ગામ પંચાયત, ખાણ-ખનીજ વિભાગ અને અન્ય તંત્રની મૌન સંમતિ છે?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ચાસા ગામની હદમાં તળાવ રિનોવેશન અને માટી ઉલેચવાના નામે મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે. જોકે, આ કામગીરી માટે કોઈ જાહેર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તમામ કામગીરી નિયમસર થઈ રહી હોય તો ટેન્ડર, મંજૂરી અને રોયલ્ટી સંબંધિત દસ્તાવેજો જાહેર કેમ કરવામાં આવતા નથી?

ગામમાં ચાલી રહેલા ખનનને લઈને એવી ચર્ચા પણ તેજ બની છે કે ગામ પંચાયતના જૂના ઠરાવની આડમાં ખાનગી એજન્સીને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં જ જિલ્લામાં તળાવની માટી વેચાણ મામલે એક તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી થઈ હોવાના સંદર્ભમાં હવે ચાસા ગામના તલાટી કમ મંત્રીની કામગીરી પણ ચર્ચામાં આવી છે.

જિલ્લા ભુસ્તર કચેરી તરફથી “એડવાન્સ રોયલ્ટી ભરાઈ ગઈ છે” એવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જો તમામ મંજૂરી કાયદેસર છે તો પછી ગામ પંચાયત સ્તરે વિરોધાભાસી નિવેદનો કેમ સામે આવી રહ્યા છે? શું સમગ્ર મામલામાં કોઈ અંદરની ભાગીદારી છે કે પછી નિયમોની આડમાં મોટાપાયે માટી વેચાણ થઈ રહ્યું છે?

હવે સમગ્ર મામલે નજર નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર પર છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ખનન પ્રક્રિયા, ટેન્ડર, રોયલ્ટી અને વાહન વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે.

 

બોક્સ : ૧

 

નવસારીટ્રકો પર વાંસળી અને મોરપીંછના ફોટા શું કોઈ “સિગ્નલ” છે?

ચાસા ગામમાંથી માટી ભરી નીકળતી અનેક ટ્રકો પર શ્રીકૃષ્ણની વાંસળી અને મોરપીંછના ચિહ્નો લગાડેલા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં એવી ચર્ચા છે કે આ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ કોઈ “ઓળખ ચિહ્ન” તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, જેથી તપાસ એજન્સીઓ અથવા ચેકિંગ દરમિયાન વાહનોને અટકાવવામાં ન આવે. જો આ માત્ર સંયોગ છે તો એકસરખા પ્રતિકો શા માટે? અને જો આ કોઈ કોડવર્ડ છે તો તેની પાછળ કોણ? સમગ્ર મુદ્દો હવે તપાસનો વિષય બન્યો છે.

 

બોક્સ : ૨

 

“હાલ કોઈ નવી પરવાનગી આપવામાં આવી નથી, જૂના ઠરાવના આધારે કામ કરતા હશે”

— તલાટી કમ મંત્રી, ચાસા ગામ

 

બોક્સ : ૩

 

“માટી ખનન માટે પરવાનગી આપવામાં આવી છે, એડવાન્સ રોયલ્ટી પણ ભરાઈ છે. તલાટી ના પાડે તો પણ ઠરાવ છે. ગેરરીતિ હશે તો પગલા લઈશું” ભૂસ્તર શાસ્ત્રી નવસારી — પ્રવિણ ખાંભલા

Back to top button
error: Content is protected !!