NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા કમિશનરને ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલ માટે તિવરા વિસ્તારના રહેવાસીઓની રજૂઆત

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

ખુલ્લી કલવર્ટ કામગિરીમાં અવરોધથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉગ્ર બનવાની ભીતિ

નવસારી, તા. ૨૨: નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 13 હેઠળ આવેલા તિવરા વિસ્તારમાં ખુલ્લી કલવર્ટ પાસેથી પસાર થતી ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલ અંગે ગંભીર સમસ્યા ઊભી થવાની આશંકાને લઈ સ્થાનિક રહેવાસીઓએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

રહેવાસીઓના જણાવ્યા મુજબ તિવરા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોનું વરસાદી પાણી ખુલ્લી કલવર્ટ મારફતે ખાડી તરફ નિકાલ થાય છે. હાલમાં ત્યાં ચાલી રહેલા કામ દરમિયાન ગંદકી, માટી અને કચરો એકત્ર થવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો છે. જેના કારણે આગામી ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે સમયસર યોગ્ય સફાઈ અને નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવે તો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. સાથે જ આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે.

આથી રહેવાસીઓએ મનપા તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી ખુલ્લી કલવર્ટ પાસે યોગ્ય સફાઈ, ડ્રેનેજ કામગીરી અને વરસાદી પાણીના સરળ નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.

તિવરા વિસ્તારના રહેવાસીઓએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા મનપા તંત્ર સમક્ષ અપેક્ષા વ્યક્ત કરી છે.

તસવીરઃ પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!