નવસારી જિલ્લામાં સસ્તા અનાજની 9 દુકાનોની તપાસમાં લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવતા ખળભળાટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીમાં રાશન દુકાનદારો સામે કલેક્ટરનો કડક ચાબુક: રૂપિયા 15.87 લાખનો દંડ, એક પરવાનો કાયમી રદ
નવસારી, તા. 22 જૂન: નવસારી જિલ્લાના નવા જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ પ્રણાલીમાં ચાલતી ગેરરીતિઓ સામે જિલ્લા પુરવઠા વિભાગે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. વર્ષોથી મળતી ફરિયાદો અને તપાસમાં બહાર આવેલી અનિયમિતતાઓને પગલે અનેક વાજબી ભાવની દુકાનો સામે લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે, જ્યારે એક દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારીની દેખરેખ હેઠળ નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 9 આંતર-તાલુકા ટીમો બનાવી 2 જૂન, 2026ના રોજ આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ગંભીર વધ-ઘટ અને નિયમભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા.
સૌથી મોટી કાર્યવાહી જલાલપોર તાલુકાના ડાભેલ-સિમલક ગામની વાજબી ભાવની દુકાન સામે કરવામાં આવી, જ્યાં રૂ. 7.93 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો કાયમી રદ કરવામાં આવ્યો. આ જ સંચાલકની ધામણ ગામની અન્ય દુકાનમાં પણ ગેરરીતિ મળી આવતા રૂ. 7.93 લાખનો વધુ દંડ ફટકારવામાં આવ્યો. આમ, એક જ સંચાલક સામે કુલ રૂ. 15.87 લાખની દંડાત્મક કાર્યવાહી કરીને અન્ય સંચાલકને ચાર્જ સોંપવાનો હુકમ કરાયો છે.
આ ઉપરાંત નવસારી શહેરની પાંચ હાટડી સ્થિત દુકાન સામે રૂ. 3.76 લાખ, ચીખલીના ઘોડવણી ગામમાં રૂ. 60 હજાર, વાંસદાના સીતાપુરમાં રૂ. 45 હજાર, દાંતેજમાં રૂ. 2,811 અને ખેરગામના કાકડવેરી ગામમાં રૂ. 4,152નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અન્ય વાજબી ભાવની દુકાનોમાં પણ નિયમોનું પાલન નહીં થતું હોવાનું જણાશે તો તેમની સામે પણ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષોની ઢીલાશ બાદ તંત્ર એક્શનમાં
સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે જિલ્લા પુરવઠા વિભાગની અગાઉની નિષ્ક્રિયતા અને લાલિયાવાડીના કારણે કેટલાક કંટ્રોલ ધારકોને મનમાની કરવાનો મોકળો મેદાન મળી ગયો હતો. પરંતુ નવા કલેક્ટર મનીષ ગુરુવાણીના આગમન બાદ ગેરરીતિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવતા કંટ્રોલ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.




