NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી રિંગરોડ પર ૨૩ વર્ષીય યુવાનના હત્યાકાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી, તા. ૧૬ : નવસારી રિંગ રોડ ઉપર થોડા દિવસો અગાઉ બનેલા ચકચારી હત્યાકાંડના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા પોલીસ તંત્રને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આરોપીઓએ યુવક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા. ૧૪/૦૫/૨૦૨૬ના રોજ નવસારી રિંગ રોડ પરથી ઓટો એપાર્ટમેન્ટ તરફ જતા માર્ગ પર યાસીન યુસુફ મેમણ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકને રોકી લાકડી તથા ઘાતક હથિયારોથી હુમલો કરી શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ હત્યા સહિતના ગંભીર ગુનાઓનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમોને તપાસ માટે સક્રિય કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના નેતૃત્વ હેઠળ PI એસ.વી. આહિર, PSI વાય.જે. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા PSI આર.જી. વસાવાની ટીમોએ CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ સુરત તરફ ભાગ્યાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને માંડવીથી બારડોલી રોડ નજીકથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં મોહનુદ્દીન ઉર્ફે દીપુ અમાનુદ્દીન શેખ, મો. લતીફ મો. સાબીર મેમણ, બાલકૃષ્ણ ઉર્ફે જનુભાઈ વિનોદભાઈ પારેખ તથા એજાજ મુનલાલ શેખનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ઉપયોગમાં લેવામાં આવેલ વાહન સહિતના મુદ્દામાલ કબ્જે લીધા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ સામે અગાઉ પણ સુરત તથા અન્ય પોલીસ મથકોમાં મારામારી, હત્યાના પ્રયાસ, પાસા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ચારેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહીથી નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!