RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી માટે કડક પગલાંઃ બે માસમાં એન.ડી.પી.એસ.ના ૧૧ કેસો કરાયા

તા.૧૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જસદણ પાસે ખેતરમાંથી ૭૪ કિલો ગાંજો જપ્ત, ગોંડલમાં ૩૦૦ ગ્રામ મેફેડ્રોન જપ્ત કરાયું

જિલ્લા નાર્કો કોર્ડિનેશન સેન્ટર કમિટીની બેઠક યોજાઈઃ શાળાઓ પાસે નશાકારક વસ્તુઓનું વેચાણ રોકવા વધુ કડક કાર્યવાહી કરવા સૂચના

Rajkot: રાજકોટ જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લામાં માર્ચ-એપ્રિલ માસમાં એન.ડી.પી.એસ. કાયદા (નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ ૧૧ કેસો કરીને નશાકારક વસ્તુઓ જપ્ત કરી, આરોપીઓ સામે કડક પગલાં લેવાયા છે.

જિલ્લા નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર કમિટીની બેઠક આજે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

જેમાં એસ.ઓ.જી. તરફથી ડ્રગ્સના દૂષણ સામે થયેલી કાર્યવાહીની વિગતો આપતા જણાવાયું હતું કે, જિલ્લામાં માર્ચ તથા એપ્રિલ માસમાં એન.ડી.પી.એસ. અંતર્ગત કુલ મળીને ૧૧ કેસો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જણાવાયું હતું કે, જસદણ પોલીસ સ્ટેશનમાં વિંછીયાના ભડલી ગામના રમેશભાઈ રતાભાઈ જાદવ (ઉ.૪૦, ધંધો-ખેતી)ના ખેતરમાંથી લીલા ગાંજાના છોડનો રૂ. ૩૧.૧૦ લાખની કિંમતનો કુલ ૭૪.૨૦૦ કિલો જથ્થો જપ્ત કરી આરોપી સામે કડક કાર્યવાહી કરાઈ છે.

જ્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મોહમદ કાસીમ (રહે. ધોરાજી), શકીલ કાદરભાઈ જેઠવા (રહે. વેરાવળ સોમનાથ), રિયાઝ કાદરભાઈ ભુવર (રહે. ધોરાજી) તથા અરમાન કામીલભાઈ સીપાઈ (રહે. માંગરોળ)ને માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)ના કુલ કિ.રૂ. ૯,૦૩,૦૦૦ની કિંમતના ૩૦૧ ગ્રામ જથ્થા સાથે ઝડપીને કડક કાર્યવાહી કરાઈ છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા બે શાળામાં ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજીને છાત્રોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સમજ અપાઈ હતી. આ સાથે પોતાને તથા પોતાના પરિવારના સભ્યોને ડ્રગ્સથી દૂર રહેવા શપથ લેવડાવાયા હતા.

રાજકોટની સમાજ સુરક્ષાની કચેરી દ્વારા તરઘડી, રફાળા, ગઢકા, આંબરડી, જામગઢ, વિંછીયા, દહીસડા, લોધિકા ગામની શાળાઓમાં ડ્રગ્સ (નાર્કોટિક્સ)ના દૂષણથી દૂર રહેવા તથા પોતાના પરિવારના સભ્યોને નશામુક્ત રાખવા પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના મદદનીશ કમિશનરશ્રી દ્વારા ગ્રામ્ય જિલ્લામાં ૫૬ મેડિકલ સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્યની એસ.ઓ.જી. શાખા દ્વારા જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં શાળા નજીક ૧૦૦ મીટરની અંદર આવેલી પાનની કુલ ત્રણ કેબિનો અને દુકાનોમાંથી તમાકુ જેવી નશાની વસ્તુ જપ્ત કરીને રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભારત સરકારના ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લામાં શાળા, કોલેજ, જીઆઈડીસી એરિયા અને લોકોની અવર-જવર વધુ હોય તેવા જાહેર સ્થળોએ ડ્રગ્સ જાગૃતિના કાર્યક્રમો કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

કમિટી અધ્યક્ષશ્રીએ ડ્રગ્સ નાબૂદી માટે આગામી દિવસોમાં શાળા-કોલેજો પાસે નશાકારક વસ્તુઓનું વેચાણ અટકાવવા માટે કરાતી કાર્યવાહી વધુ કડક કરવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં કમિટીના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!