Navsari: જલાલપોરના મરોલી બજાર ખાતે ૨૪ ઓકટો.ના રોજ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા થીમ પર આયુષ મેળો ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને નવસારી જિલ્લા આયુર્વેદ શાખાના સયુંકત ઉપક્રમે ૨૪ ઓકટોબર ૨૦૨૪ના રોજ જલાલપોર તાલુકાના મરોલી બજાર સ્તિથ કોળી સમાજની વાડી ખાતે સવારે ૧૦:૩૦ થી ૩:૦૦ સુધી વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા થીમ પર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઇના અધ્યક્ષતા હેઠળ આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે . આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે.
આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા તથા આયુર્વેદ ઔષધિ યુક્ત હર્બલ ટી નુ વિતરણ કરવામાં આવશે . યોગ નિષ્ણાત દ્વારા યોગ અને પ્રાણાયામ વિષે માર્ગદર્શન આપવામાં આવશે સાથે વૃધ્ધાવસ્થાના રોગોની વિશેષ સારવાર પ્રકૃતિ પરીક્ષણ માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
જાહેર જનતાને આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ થાય અને દૈનિક જીવનમાં આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરે તે હેતુથી આયુર્વેદ ઔષધિય વનસ્પતિઓનુ પ્રદર્શન તેમજ જરુરી ચાર્ટ પ્રદર્શન આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે મુકવામાં આવનાર છે. આયુષ મેળામાં અર્શ (હરસ-મસા), ભગંદરના દર્દીઓને તથા પાંચ વર્ષથી નાના હોય એવા બહેરા-મૂંગા બાળકોને વિનામૂલ્યે સર્જરી કરી આપવામાં આવશે. આ કેમ્પનો જાહેર જનતા બહોળા પ્રમાણમાં લાભ લેવા નવસારી જિલ્લા આયુર્વેદની કચેરી અપીલ કરવામાં આવી છે.