નવસારી: પશ્ચિમ બંગાળની સફળતાની ગુંજ નવસારી સુધી: ભાજપાના કાર્યકરો વિજયોત્સવ મનાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયને લઈ રાજકીય ઉર્જા અને જનઉમંગનો અનોખો માહોલ સર્જાયો હતો. દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રભાવશાળી પ્રદર્શન અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર સફળતાના પરિણામે સમગ્ર જિલ્લામાં વિજયોત્સવની લાગણી છવાઈ ગઈ હતી.
આ વિજયને ભાજપના કાર્યકરો દ્વારા “જન વિશ્વાસનો વિજય” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો, જે દેશની જનતાનો ભાજપની વિકાસલક્ષી નીતિઓ, સશક્ત નેતૃત્વ અને પારદર્શક શાસન પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યો છે. નવસારી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભવ્ય રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
નવસારી ખાતે યોજાયેલા વિજયોત્સવ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને દેશભક્તિના નારા લગાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર માહોલ દેશપ્રેમ અને સંગઠનશક્તિના પ્રદર્શનથી ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનલબેન દેસાઈ,વેપારી આગેવાન ભરતભાઈ સુખડિયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહી આ જીત માત્ર ચૂંટણી પરિણામ નથી, પરંતુ દેશની જનતાનો ભાજપની નીતિઓ અને કાર્યપ્રણાલી પ્રત્યેનો અડગ વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ દેશે વિકાસ, આત્મનિર્ભરતા અને વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ ઉભી કરી છે, જ્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના સુદ્રઢ સંગઠન કૌશલ્યે પાર્ટીને દેશના દરેક ખૂણે મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરોમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફટાકડાની ધામધૂમ, ઢોલ-નગારા અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ઉજવણીના રંગમાં રંગાઈ ગયો હતો. સામાજિક આગેવાનો પણ આ ઉજવણીમાં સહભાગી બની ખુશી વ્યક્ત કરી હતી.
આ વિજયોત્સવ દરમિયાન જય શ્રીરામના ગગનચુંબી નારાઓથી સમગ્ર વિસ્તાર ગૂંજાયમાન બન્યો હતો નવસારી જિલ્લામાં ઉજવાયેલો આ વિજયોત્સવ માત્ર રાજકીય જીતનો આનંદ નહોતો, પરંતુ દેશની લોકશાહી પરંપરા, જન વિશ્વાસ અને વિકાસના માર્ગે આગળ વધવાની સંકલ્પનાનો પ્રતિબિંબરૂપ ઉત્સવ બની રહ્યો હતો.




