NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપાની ખાસ યોજના: ૩૦ જૂન સુધી વેરો ભરો, ૧૦% રિબેટ મેળવો:મોબાઈલ નંબર અપડેટ ખાસ અપીલ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

Screenshot

હવે માત્ર ૨૨ દિવસ બાકી: મિલકત વેરો ભરો અને મેળવો ૧૦% વળતરનો લાભ

૩૦ જૂન સુધી કર ચૂકવનારને ખાસ રાહત, બાકીદારો સામે કડક કાર્યવાહીનો મનપાનો ચેતવણીભર્યો સંદેશ

નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને મોટી રાહતરૂપ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં મિલકત વેરાની સંપૂર્ણ ચુકવણી કરનાર મિલકતધારકોને ૧૦ ટકા વળતર (રિબેટ) આપવામાં આવશે. હાલ આ લાભ મેળવવા માટે માત્ર ૨૨ દિવસનો સમય બાકી હોવાથી મનપાએ નાગરિકોને વહેલી તકે વેરો ભરવાની અપીલ કરી છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગે જણાવ્યું છે કે સમયસર વેરાની વસૂલાતથી શહેરના વિકાસ કાર્યોને વેગ મળે છે. તેથી નાગરિકો અંતિમ તારીખની રાહ જોયા વિના તરત જ મિલકત વેરો ભરી આર્થિક લાભ મેળવે અને શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપે.

મોબાઈલ નંબર અપડેટ કરાવવાની ખાસ અપીલ

મનપાની વિવિધ ડિજિટલ સેવાઓનો સરળ અને ઝડપી લાભ મળી રહે તે માટે તમામ મિલકતધારકોએ પોતાના પ્રોપર્ટી ટેક્સ ખાતા સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો જરૂરી હોવાનું જણાવાયું છે. આ માટે નાગરિકોને પાલિકાના વેરા વિભાગ (ટેક્સ બ્રાન્ચ) ખાતે સંપર્ક કરી મોબાઈલ નંબર અપડેટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

મોબાઈલ નંબર અપડેટ થયા બાદ વેરાની પહોંચ, રિમાઇન્ડર, બાકી રકમની જાણકારી તેમજ અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ સીધી મોબાઈલ પર પ્રાપ્ત થઈ શકશે.

બાકીદારો સામે કડક પગલાંની ચેતવણી

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ૩૦ જૂન બાદ બાકી રહેનાર કરદાતાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં ડ્રેનેજ અને પાણીના જોડાણો કાપવા, મિલકત સીલ કરવાની કાર્યવાહી સહિતના પગલાં લેવામાં આવી શકે છે.

મહાનગરપાલિકાએ નાગરિકોને સંદેશ આપ્યો છે કે, “સમયસર કરની ચુકવણી કરો, તમારું ધન બચાવો અને સ્વચ્છ-સુંદર નવસારીના નિર્માણમાં સહભાગી બનો.”

Back to top button
error: Content is protected !!