NAVSARINAVSARI CITY / TALUKO

વિશ્વ દૂધ દિવસ નિમિત્તે મુસા ગામે પશુપાલકોને નફાકારક દૂધ ઉત્પાદન, સ્વચ્છ દૂધ અને પશુપોષણ અંગે માર્ગદર્શન

વાત્સલ્યમ સમાચાર

   માંડવી

માંડવી, તા. 1 જૂન: પશુ વિજ્ઞાન કેન્દ્ર-માંડવી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, માંડવી દ્વારા “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે મુસા ગામ ખાતે પશુપાલક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 55 જેટલા પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પશુપાલન અને દૂધ ઉત્પાદન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સુનિલભાઈ પ્રજાપતિએ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો, વિવિધ કામગીરી તેમજ પશુપાલનમાં યોગ્ય રહેઠાણ વ્યવસ્થા અને સ્વચ્છ દૂધ ઉત્પાદનના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. મહેશકુમાર પી. માઢવાતરે નફાકારક દૂધ ઉત્પાદન, દૂધના મૂલ્યવર્ધન અને પશુપાલનને વધુ આવકદાયક બનાવવાના ઉપાયો અંગે માહિતી આપી હતી.

ગોષ્ઠિ દરમિયાન ઉપસ્થિત પશુપાલકોએ પોતાના પ્રશ્નો અને મૂંઝવણો રજૂ કરી હતી, જેના સંતોષકારક જવાબો ડૉ. સુનિલભાઈ પ્રજાપતિ અને ડૉ. મહેશકુમાર માઢવાતર દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પશુપાલકોને પશુપાલન વિષયક માહિતીપ્રદ સાહિત્ય કિટ તથા પશુઓના પોષણ માટે જરૂરી મિનરલ મિશ્રણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એસ. એસ. પાટીલ (સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુ સંશોધન કેન્દ્ર, નવસારી)ના નેતૃત્વ હેઠળ તથા ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) અને ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

પશુ વિજ્ઞાન કેન્દ્ર-માંડવી દ્વારા આયોજિત આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કરી આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Back to top button
error: Content is protected !!