
હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૦૧-૧૧-૨૦૨૫ સુધી ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સંદેશો આપવામાં આવે છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી. માં અનાજ અને ખેતપેદાશો ઢાંકવીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. તેમજ અત્યારે વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




