
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નવસારી, તા. 5 જુલાઈ : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા નવસારીમાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા કેન્દ્રના પ્રારંભથી નવસારી અને આસપાસના વિસ્તારના નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુલભ બનશે. પ્રભા કુંજ હાઇટ્સ, દાબુ હોસ્પિટલ પાસે, સાંઢકુવા, નવસારી ખાતે આવેલું આ આધાર સેવા કેન્દ્ર અઠવાડિયાના તમામ 7 દિવસ કાર્યરત રહેશે. અહીં નવી આધાર નોંધણી, આધારની વિગતોમાં સુધારા, 5 થી 17 વર્ષની વયના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ તેમજ સ્થળ પર જ ફરિયાદ નિવારણ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. કેન્દ્રમાં વ્હીલચેરની સુવિધા, સુલભ શૌચાલય અને સમર્પિત ASK મેનેજરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રહેવાસીઓ UIDAIના ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પોર્ટલ મારફતે અગાઉથી સમય બુક કરાવી શકશે, જ્યારે આધાર સેવા કેન્દ્રનું જીઓ-ટેગ્ડ લોકેશન પણ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, આગામી સમયમાં શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પોનું આયોજન પણ કરવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની (IAS), એસપી રાહુલ પટેલ (IPS) તેમજ UIDAIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે નવસારીમાં શરૂ થયેલું આ આધુનિક આધાર સેવા કેન્દ્ર નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડશે અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવશે.



