NAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા આંગડિયા પેઢી ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.18.67 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં થયેલી ચોરીનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹18,67,500ના મુદ્દામાલ ઉપરાંત દેશી બનાવટની પિસ્તોલ, મેગેઝિન અને જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ પી.વી. સિંઘ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી નવસારીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ પર સતત નજર રાખી સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં સોપારામ ઉર્ફે સંતોષ રૂપારામ ચૌધરી (ઉ.વ. 32), રહે. આમલારી ગામ, અટેડા વાસ, થાણા-કાલંદ્રી, જિલ્લા સિરોહી (રાજસ્થાન), હાલમાં અમિત કોલ્ડ સ્ટોરેજ કંપની, એમ.આઈ.ડી.સી. ચાંદવાડા, નવી મુંબઈ (મહારાષ્ટ્ર), નરેશકુમાર ભગવાનદાસ વૈષ્ણવ, રહે. માધુપુરા ગામ, પાનીવાડ, પોસ્ટ સીસવાડા, તા. આબુરોડ, જિલ્લા સિરોહી (રાજસ્થાન) તથા મોહમ્મદ તસ્લીમ કલીમભાઈ રાઠોડ (ઉ.વ. 24), રહે. નવા ફળિયા, પાટા ફળિયા રોડ, વાંસદા, જિલ્લા નવસારીનો સમાવેશ થાય છે.

જ્યારે ગુનામાં સંડોવાયેલા રાજારામ ઉર્ફે રાજુ રૂપારામ ચૌધરી, રહે. આમલારી ગામ, અટેડા વાસ, થાણા-કાલંદ્રી, જિલ્લા સિરોહી (રાજસ્થાન) તથા ત્રિભુવનસિંહ ઉર્ફે સુરેન્દ્રસિંહ અનોપસિંહ દેવડા, રહે. ચેકલા ગામ, તા. જાવલતપુરા, જિલ્લા જાલોર (રાજસ્થાન) હાલ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

પોલીસે આરોપીઓ પાસેથી સેફ કટર માટે વપરાયેલી સીલિંગ કટર મશીન, ₹3 લાખ રોકડ, દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ ₹18,67,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી PI વી.જે. જાડેજા, PI જે.વી. ચાવડા (વાંસદા પોલીસ સ્ટેશન), PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, PSI આર.જે. વસાવા (એસ.ઓ.જી. નવસારી), PSI એસ.વી. ચૌહાણ (વાંસદા પોલીસ સ્ટેશન), ASI સુનિલસિંહ દેવીસિંહ, ASI લલિતભાઈ અશોકભાઈ તથા એલસીબી અને વાંસદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.

પોલીસ તપાસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સામે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં ચોરી, ઘરફોડ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા તેમજ ગુનાની વધુ કડીઓ મેળવવા તપાસ આગળ ધપાવી છે.

Back to top button
error: Content is protected !!