નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૧૮૧ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી મતગણતરી ૨૮ એપ્રિલે • ૫૪૦૭ સ્ટાફ અને ૧૬૭૫ પોલીસ તૈનાત કરવામાં આવી
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ બ્રિફિંગમાં ચૂંટણી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે મતગણતરી તા. ૨૮ એપ્રિલે હાથ ધરાશે.
જિલ્લામાં કુલ ૨૩૮ બેઠકોમાંથી ૫૭ બેઠકો બિનહરીફ જાહેર થતાં બાકી રહેલી ૧૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં જિલ્લા પંચાયતની ૨૧, તાલુકા પંચાયતની ૧૦૮, નવસારી મહાનગરપાલિકાની ૫૦ અને ગણદેવી નગરપાલિકાની ૨ બેઠકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ ૧૩૯ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ ૫૪૦૭ પોલિંગ સ્ટાફ તથા ૧૬૭૫ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
શહેરી વિસ્તારોમાં મતદારોને કુલ ૪ મત આપવાની સુવિધા રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત માટે ૧ અને જિલ્લા પંચાયત માટે ૧ એમ કુલ ૨ મત આપી શકાશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પીવાના પાણી, છાયડો, મંડપ, પ્રાથમિક સારવાર કીટ તથા દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.




