12 વર્ષથી અવિરત શિક્ષણસેવા: યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટે વાંસદામાં વિદ્યાર્થીઓને આપી નોટબુક અને શૈક્ષણિક કીટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટનો શિક્ષણસેવાનો અનોખો ઉપક્રમ: સ્વ. ભુપેન્દ્રભાઈ ગાંધીની સ્મૃતિમાં વાંસદા તાલુકાની વડલી શાળાના 300 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ
શિક્ષણ એ સમાજ વિકાસનો પાયો છે તે વિચારધારા સાથે સ્વ. ભુપેન્દ્રભાઈ એમ. ગાંધીની પ્રેરણાથી કાર્યરત યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડલી પ્રાથમિક શાળામાં સતત 12મા વર્ષે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આ વર્ષે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને 2200 નોટબુકો તેમજ 100 શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં અભ્યાસ માટે જરૂરી સામગ્રી મળતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ટ્રસ્ટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સ્વ. ભુપેન્દ્રભાઈ ગાંધીના પરિવારજનોમાંથી દીકરી-જમાઈ સોનલબેન અને અંકુરકુમાર, પૌત્રી તૃષા, વહુ-દીકરો વૈદેહીબેન અને હિમાંશુભાઈ તેમજ પૌત્ર હેનિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જયદીપ પટેલ, મિતેશ પંચાલ, ચિરાગ પંચાલ, યશ પટેલ, અંકિત પંચાલ, મિતુલ ભાવસાર, વિપુલભાઈ ડાંગર, સાગર પટેલ, કાંતિકાકા તથા સુરેશભાઈ સહિતના આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા અને ટ્રસ્ટના આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ સ્વ. ભુપેન્દ્રભાઈ ગાંધીના શિક્ષણપ્રેમ, સેવાભાવ અને સમાજ પ્રત્યેના સમર્પણને યાદ કરી ટ્રસ્ટના સભ્યો, પરિવારજનો તથા ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવા ઉપરાંત સમાજમાં શિક્ષણલક્ષી જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી સતત ચાલી રહેલી આ સેવા શિક્ષણક્ષેત્રે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે અને અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહી છે.




