GUJARATKUTCHMANDAVI

નીરોણા હાઈસ્કૂલ તેમજ ક્રીડા ભારતી કચ્છ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા તથા વિવિધ રમત-ગમત ઇવેન્ટ યોજાઈ; 100થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૩૦ ઓગસ્ટ : મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે ક્રીડા ભારતી કચ્છ વિભાગ અને શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણાના સંયુક્ત ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધા તથા વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ખેલદિલી જોવા મળી હતી.શાળાના આચાર્યશ્રી ડો. વી. એમ. ચૌધરી તથા ક્રીડા ભારતી કચ્છ વિભાગના વાલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સભાથી થયો હતો. પ્રાર્થના સભા બાદ ભારતીય હોકીના મહાન ખેલાડી અને ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા મેજર ધ્યાનચંદના જીવન, સંઘર્ષ, રમતગમત ક્ષેત્રે પ્રદાન અને દેશ માટેની તેમની સેવાભાવનાને કેન્દ્રમાં રાખીને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મેજર ધ્યાનચંદના જીવન અને સિદ્ધિઓ પર સુંદર વક્તવ્ય રજૂ કરી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. સ્પર્ધામાં વંશી ભાનુશાલીએ પ્રથમ, ચારોલિયા નીતાએ દ્વિતીય અને કુંભાર રૂકશાનાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે અલ્પેશભાઈ જાની, અલ્પાબેન બુચીયા તથા ક્રિષ્નાબેન ગોરે સેવા આપી હતી.વક્તૃત્વ સ્પર્ધા બાદ શાળાના રમત મેદાન પર વિવિધ રમત-ગમતની ઇવેન્ટ્સ યોજવામાં આવી હતી. વિવિધ રમતોમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા, શિસ્ત, ટીમભાવના અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિવિધ ઇવેન્ટમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓના નામ જાહેર કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વિવિધ રમત-ગમતની ઇવેન્ટમાં ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ, રમેશભાઈ ડાભી તથા બી.એડ. તાલીમાર્થી દીપભાઈ ચૌધરીએ રેફરી તરીકે સેવાઓ આપી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતને પણ જીવનનો અભિન્ન ભાગ બનાવવા તથા “સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વિકાસ થાય છે” તે સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!