GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

વિશ્વ સર્પ દિવસ-૨૦૨૬ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વેટરનરી કોલેજમા “સ્નેક અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો

વિશ્વ સર્પ દિવસ-૨૦૨૬ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વેટરનરી કોલેજમા "સ્નેક અવેરનેસ પ્રોગ્રામ" યોજાયો

વિશ્વ સર્પ દિવસ-૨૦૨૬ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વેટરનરી કોલેજની એન.એસ.એસ. યુનિટ તથા વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે “સ્નેક અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સર્પો પ્રત્યેની વૈજ્ઞાનિક સમજ વિકસાવવી, સર્પ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવી તેમજ સર્પદંશથી બચવાના ઉપાયો અને પ્રાથમિક સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમનું આયોજન વેટરનરી કોલેજના આચાર્યશ્રી તથા ડીન ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન, અધ્યાપકો તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ. સ્વયંસેવક મીત ઝાલા એ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે સર્પો પ્રકૃતિના અતિ મહત્વપૂર્ણ જીવ છે, જે ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરીને કૃષિ અને પર્યાવરણના સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના કારણે લોકો સર્પોને નુકસાન પહોંચાડે છે, જ્યારે વૈજ્ઞાનિક માહિતી અને જાગૃતિ દ્વારા તેમનું સંરક્ષણ શક્ય બની શકે છે. કાર્યક્રમમાં વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢના જાણીતા પ્રકૃતિપ્રેમી શ્રી પરમ માથુર અને શ્રી હિત વોરા એ નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહી સર્પોની વિવિધ પ્રજાતિઓ, ઝેરી અને બિનઝેરી સર્પોની ઓળખ, ગુજરાતમાં જોવા મળતા સામાન્ય સર્પો, તેમની જીવનશૈલી, પર્યાવરણમાં તેમનું મહત્વ તથા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ મળતા રક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સર્પોની ઓળખ, ઝેરની અસર, બચાવ કામગીરી, વન્યજીવ સંરક્ષણ અને સર્પદંશ વ્યવસ્થાપન અંગે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાતોએ સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં સંતોષકારક જવાબો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત માહિતીપ્રદ અને જાગૃતિપ્રેરક રહ્યો હતો.આ કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. એસ. વી. માવદિયા (એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર) અને પ્રણવભાઇ વઘાસીયા(પ્રેસિડંટ, વસુંધરા નેચર ક્લબ) તેમજ તેમની ટીમના સંકલન હેઠળ એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો તથા કોલેજના અધ્યાપકગણનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. સ્વયંસેવક મીત ઝાલાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ આચાર્યશ્રી ડૉ. એમ. ડી. ઓડેદરાએ આયોજકમંડળ, વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢ, નિષ્ણાત વક્તાઓ તથા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આવા જાગૃતિમૂલક કાર્યક્રમો દ્વારા જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળતું હોવાનું જણાવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!