ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા (UCC) અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.


સમીર પટેલ, ભરૂચ
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય સંવિધાનની કલમ 44 UCC અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત UCC ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે. 2018ના લો કમિશન રિપોર્ટ મુજબ, UCCનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ.
સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે UCCની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે 4 વાગ્યે રાખવામાં આવી હતી. આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા. વધુમાં, સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી.
સમાજના પ્રતિનિધિઓએ માંગણી કરી છે કે UCCની નવી સુનાવણી યોજવામાં આવે, જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે. આવેદનપત્રમાં 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 32 %લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18%લઘુમતી સમુદાયો UCCથી પ્રભાવિત થશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



