વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના બલિદાનને સ્મરીને, રામજી મંદિર ખેરગામ ખાતે “ઓપરેશન સિંદૂર”ના ભાગરૂપે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રા રામજી મંદિરથી આરંભ થઈ અને ખેરગામના મુખ્ય બજાર માર્ગેથી પસાર થઈ ગાંધી સર્કલ અને ત્યારબાદ આંબેડકર સર્કલ સુધી જઈ અંતિમ સ્થાન પર પહોંચી પૂર્ણતા પામી. મોટી સંખ્યામાં નાગરિકો યાત્રાનું સમર્થન કરવા માટે રસ્તાઓ પર ઉપસ્થિત રહ્યા હતા, અને ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું.આ યાત્રામાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગણદેવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને પૂજ્ય પ્રફુલબાપુ હાજર રહ્યા હતા. સાથે જ નિવૃત્ત સૈનિકો, ખેરગામના પોલીસ જવાનો, ખેરગામ તાલુકાના આગેવાનો, મુસ્લિમ સમાજ તેમજ વોહરા સમાજના આગેવાનો સહિત વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી આ રાષ્ટ્રસેવી કાર્યક્રમને વિશેષ ઉત્સાહ અને સંમાન આપ્યો હતો.આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને શૌર્યની ભાવના ઉભી કરવી તેમજ આપણે રક્ષણ આપવા માટે સતત સીમાએ અડીખમ ઉભેલા જવાનોને કૃતજ્ઞતા પાઠવવાનો હતો.ખેરગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ યાત્રાએ સમગ્ર ખેરગામમાં રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ ઊભું કર્યું હતું.