RAMESH SAVANI

કાયદાના નામમાં ‘ઈન્ડિયન’ શબ્દની જગ્યાએ ‘ભારતીય’ શબ્દ મૂકવાથી ગુલામીની નિશાની મટે?

ઈન્ડિયન પીનલ કોડ-1860/ ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973/ એવિડન્સ એક્ટ-1872ના નામ બદલાયા છે. તે હવે Bharatiya Nyaya Sanhita 2023/ Bharatiya Nagarik Suraksha Sanhita 2023/ Bharatiya Sakshya Adhiniyam 2023 તરીકે ઓળખાશે. રાજ્યસભાએ 21 ડીસેમ્બર 2023ના રોજ ત્રિલોક મંજૂર કર્યા છે, જેને રાષ્ટ્રપતિ મંજૂરી આપે એટલે આ ત્રણેય કાયદા અમલી બનશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં કહ્યુ કે “હાલમાં ઉપયોગમાં લેવાતા કાયદા બ્રિટિશ સમયગાળા દરમિયાન બનાવાયા હતા. અગાઉ સજા કરવાના વિચારને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા કાયદાઓ હતા. જ્યારે હવે પીડિત કેન્દ્રિત ન્યાયવ્યવસ્થા શરૂ થઈ રહી છે. બ્રિટિશ રાજની ગુલામીનાં તમામ નિશાનોને ખતમ કરી સંપૂર્ણ ભારતીય હવે મહિલાઓ, બાળકો અને માનવ શરીર સામેના ગુનાઓ ઉપર મુક્યો છે. આતંકવાદી પ્રવૃત્તિઓ, મૉબ લિંચિંગ, બળાત્કાર, ભારતના સાર્વભૌમત્વને જોખમમાં મૂકતા ગુનાઓ માટે આકરી સજાની જોગવાઈ કરી છે. કોર્ટમાં આરોપીની ગેરહાજરીમાં સુનાવણી તથા કેસનો ઝડપી નિકાલની જોગવાઈ કરી છે.”

જો કે નવા કાયદામાં 80% જોગવાઈઓ જૂના કાયદા મુજબની જ છે. મુખ્ય ફેરફાર ‘ઈન્ડિયન’ શબ્દની જગ્યાએ ‘ભારતીય’ શબ્દનો ઉપયોગ થયો છે ! ગુજરાતમાં એક કાયદાનું નામ વિચિત્ર છે : ‘ગુજરાત પોલીસ એક્ટ-1951’ પરંતુ 1951માં ગુજરાતનો જન્મ જ થયો ન હતો ! ‘Bombay Police Act-1951’ની નકલ કરતી વેળાએ આ છબરડો થયો છે ! આવું આ ત્રણ કાયદાઓ વિશે કહી શકાય !

આ ત્રણ કાયદાઓમાં શું ફેરફારો થયા તે જોઈએ : [1] ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યોનો ગુનાઓમાં સમાવેશ. રાજદ્રોહની કલમ સમાપ્ત કરી પણ દેશદ્રોહ છે. [2] આતંકવાદી કૃત્યો જે અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમમાં હતી તે હવે BNS-ભારતીય ન્યાય સંહિતામાં સામેલ કરી. [3] મૉબ લિંચિંગ એટલે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોનું ટોળું જાતિ અથવા સમુદાય વગેરેના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે આ જૂથના દરેક સભ્યને આજીવન કેદની સજા કરવામાં આવશે. [4] લગ્નનાં ખોટા વચન હેઠળ સેક્સ એ ગુનો બને છે. [5] અગાઉ માત્ર 15 દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા. પરંતુ હવે ગુનાની ગંભીરતાને જોતા 60 કે 90 દિવસ સુધી રીમાન્ડ આપી શકાશે. [6] નાના ગુનાઓ માટે સજા તરીકે સમુદાયિક સેવાનો સમાવેશ કર્યો છે. [7] ગુનાની તપાસમાં ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરવાનું ફરજિયાત કર્યું છે. [8] માહિતી ટેકનૉલૉજીનો વધુ ઉપયોગ, જેમ કે સર્ચ અને જપ્તીનું રેકૉર્ડિંગ, તમામ પૂછપરછ અને ઓનલાઈન સુનાવણીઓ કરવી. [9] FIR, તપાસ અને સુનાવણી માટે ફરજિયાત સમય મર્યાદા નક્કી કરાઈ છે. હવે સુનાવણીના 45 દિવસમાં ચુકાદો આપવો પડશે. ફરિયાદના 3 દિવસમાં FIR દાખલ કરવી પડશે. [10] હવે માત્ર મૃત્યુદંડના દોષિતો જ દયા અરજી દાખલ કરી શકશે. અગાઉ NGO/નાગરિક જૂથો પણ દોષિતો વતી દયા અરજી દાખલ કરતા હતા.

થોડાં પ્રશ્નો : [1] રાજદ્રોહની કલમ હટાવી તે સારી બાબત છે. પરંતુ દેશદ્રોહની વ્યાખ્યા લંબાવીને પોલીસ/ સત્તાપક્ષ હેરાન કરશે તો? આમેય સરકારની/ વડાપ્રધાનની આલોચના કરનારને દેશદ્રોહી ઠરાવવામાં આવે છે ! કિસાન આંદોલન વેળાએ કિસાનોને દેશદ્રોહી ઠરાવી દીધાં હતાં ! [2] ‘અર્બન નકસલ’ કહીને બુદ્ધિજીવીઓને જેલમાં પુરવાનું બંધ થશે? [3] મૉબ લિંચિંગ માટે આકરી સજા થવી જ જોઈએ. પરંતુ તેમાં ધર્મ/ જ્ઞાતિ/ વર્ણ જોવાશે? પોલીસ ‘રાજકીય દબાણ મુક્ત તપાસ’ કરશે? જે નફરતી ભાષણોના કારણે મૉબ લિંચિંગની ઘટનાઓ બને છે; તેને રોકવાની જોગવાઈ ન થાય; તે માટે અસરકારક પગલા ન લેવાય તોમરે લિંચિંગ અટકે ખરું? [4] ખોટા વચનો આપી લગ્ન કરે તે પ્રવૃતિ, પ્રતિબંધિત હોવી જ જોઈએ. IPCમાં વિશ્વાસધાત/ઠગાઈની જોગવાઈ હતી જ; પરંતુ પોલીસ ગુનો દાખલ કરતી ન હતી. શું પોલીસનું વલણ બદલાશે? [5] 60 કે 90 દિવસ સુધીના રીમાન્ડનો પોલીસ દુરુપયોગ નહીં કરે? પોલીસ માટે આ જોગવાઈ ટંકશાળ નહીં બને? [6] ‘ફરિયાદના 3 દિવસમાં FIR દાખલ કરવી પડશે’ માત્ર આ જોગવાઈનો અમલ થઈ જાય તોય લોકોને મોટી રાહત થઈ જાય; પરંતુ આ શક્ય બનશે? વ્યક્તિ આર્થિક/ સામાજિક રીતે નબળો હશે તો FIR જરુર નોંધાશે; વિપક્ષનો સભ્ય હશે તો તરત જ FIR નોંધાશે ! પરંતુ સત્તા પક્ષનો MLA/ MP હશે તો તેમની સામે FIR નોંધાવવા હાઈકોર્ટ/ સુપ્રિમકોર્ટમાં જવું પડે, આ અનુભવ છે. શું આ સ્થિતિ બદલાશે? [7] કાયદાઓ નવા બનાવ્યા છે ત્યારે પોલીસ જવાબદાર બને તેવી જોગવાઈ કરવાનું કેમ ભૂલાઈ ગયું હશે? ત્વરિત ચૂકાદા માટે કોર્ટની/ જજોની જરુર નહીં પડે? સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરુર નહીં પડે? તાલીમની જરુર નહીં પડે? તપાસ અને જપ્તીનું ઑડિયો-વિઝ્યુઅલ રૅકોર્ડિંગ એ સારી બાબત છે; પરંતુ પોલીસ સ્ટેશનમાં/ જેલમાં લગાવેલ CCTV કેમેરા પોલીસ/ જેલરની એટ્રોસિટી જોઈને બંધ કેમ પડી જાય છે? સત્તાપક્ષ સાથે સંકળાયેલ કેદી/ માલેતુજાર કેદીને જેલમાં મળતી સગવડ જોઈને CCTV કેમેરા શરમાઈને આંખો કેમ બંધ કરી દે છે? આ કાયદાઓનો મુખ્ય હેતુ લોકોને શક્ય તેટલી મહત્તમ હદ સુધી નિયંત્રિત કરવાનો નથી? આ ત્રણ કાયદાઓને/ખરડાઓને સંસદમાં પસાર કર્યા ત્યારે 141થી વધુ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા; ચર્ચા વિના આ ત્રણ કાયદાઓ પસાર કર્યા છે; જો ચર્ચા-વિચારણા થઈ હોત તો ખામીઓ દૂર થઈ હોત ! અગાઉ ત્રણ કૃષિ કાનૂનનું બાળમરણ થયું હતું. સંસદ સરકાર માટે રબર સ્ટેમ્પ બની ગઈ છે ! આ પ્રકારના મોટા ફેરફારો કરતાં પહેલાં નિષ્ણાતોનો અભિપ્રાય લેવાની જરુર હતી. સવાલ એ છે કે કાયદાના નામમાં ‘ઈન્ડિયન’ શબ્દની જગ્યાએ ‘ભારતીય’ શબ્દ મૂકવાથી ગુલામીની નિશાની મટે? કે લોકહિતમાં કાયદાનો અમલ કરવાથી મટે?rs

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!