પંચમહાલ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,ગોધરા ખાતે યોજાયો
યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરતાં સાંસદ રાજપાલસિંહ જાદવ

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા
ગોધરા ખાતે જિલ્લા કક્ષાના “૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬” ની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ 


રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં કરાઈ હતી.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પંચમહાલના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે નાગરિકોને શુભકામનાઓ પાઠવતા યોગનું સાચું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ શરીર, મન અને ચેતનાને એકસૂત્રે બાંધતી પવિત્ર પ્રક્રિયા છે. એક સમયે માત્ર આશ્રમો અને સાધના પૂરતો મર્યાદિત રહેલો યોગ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અવિરત પ્રયાસો અને દૂરદર્શી વિચારસરણીને કારણે વૈશ્વિક સ્તરે સ્વીકૃત બન્યો છે, જે સમગ્ર ભારત માટે અત્યંત ગૌરવની બાબત છે.
ચાલુ વર્ષની થીમ “Yoga for Healthy Aging” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) નો ઉલ્લેખ કરતા સાંસદશ્રીએ આધુનિક જીવનશૈલીના કારણે પેદા થતા માનસિક તણાવ, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવા પડકારો સામે લડવા માટે યોગને એકમાત્ર સચોટ ઉપાય ગણાવ્યો હતો. તેમણે ઉપસ્થિત જનમેદનીને નમ્ર અપીલ કરી હતી કે, યોગને માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખતા રોજ સવારે માત્ર ૩૦ મિનિટ ફાળવીને તેને દિનચર્યાનો અનિવાર્ય હિસ્સો બનાવીએ, જેથી એક સ્વસ્થ, પ્રફુલ્લિત અને સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે.
આ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ, ગોધરા નગરપાલિકાના પ્રમુખ,, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય તેમજ ઉપસ્થિત તમામ નગરજનો અને યોગસાધકો ઉપસ્થિતિ રહ્યાં હતાં.







