KALOL(Panchamahal)PANCHMAHAL

બેઢિયા ગામમાં કરુણ ઘટના:ખેતરના શેઢે લોખંડના ફેન્સિંગમાંથી કરંટ લાગતાં ૨૭ વર્ષીય યુવકનું મોત, કૂવા માલિક સામે ગુનો દાખલ

 

તારીખ ૦૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બેઢિયા ગામે ખેતરમાંથી પસાર થઈ રહેલા એક ૨૭ વર્ષીય યુવકનું લોખંડના ફેન્સિંગ તારમાં મુકેલા વીજ કરંટની ઝપેટમાં આવી જતાં કરુણ મોત નીપજ્યું છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે કૂવાના માલિક વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૦૫ (સદોષ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અર્જુનસિંહ ફતેસિંહ ચૌહાણ (ઉ.વ. ૫૫) અને તેમનો ભત્રીજો પ્રદીપકુમાર ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૭) રવિવારે સવારે આશરે સાડા નવેક વાગ્યે ગામમાં વેચાણ રાખેલા એક ખેતરની માપણી અને ભાગ પાડવા માટે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. રસ્તામાં કોતર હોવાથી તેઓ બાઈક સાઈડમાં મૂકીને ચાલતા-ચાલતા કંચનભાઇ મગનભાઇ પારેખના ખેતરના શેઢા પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન આગળ ચાલી રહેલો ભત્રીજો પ્રદીપકુમાર થોરની વાડમાંથી નીકળવા જતાં, ત્યાં ખેંચવામાં આવેલા લોખંડના ફેન્સિંગ તારને અડી ગયો હતો. આ તારમાં વીજ કરંટ ચાલુ હોવાથી પ્રદીપકુમારને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે બૂમાબૂમ કરી જમીન પર ફસડાઈ પડ્યો હતો. તેના આખા શરીરે ખેંચ આવવા લાગી હતી અને ઘટનાસ્થળે જ તે બેભાન થઈ ગયો હતો.બનાવને પગલે આસપાસના પરિવારજનો દોડી આવ્યા હતા. ફરિયાદીએ નજીકમાં આવેલા કૂવાના માલિક અર્જુનભાઈ શનાભાઈ ચૌહાણને ફોન કરીને પૂછતાં, કૂવા માલિકે સ્વીકાર્યું હતું કે તેમણે ગીરો રાખેલા ખેતરમાં ડાંગરનો પાક (ધરુ) વાવેલો હોવાથી, રાત્રિના સમયે ભૂંડ અને અન્ય જંગલી પશુઓ પાકને નુકસાન ન કરે તે માટે કૂવા પરથી લોખંડનો ફેન્સિંગ તાર લાંબો કરી તેમાં વીજ કરંટ ચાલુ કર્યો હતો. જ્યાં ગંભીર હાલતમાં પ્રદીપકુમારને ખડકી ટોલનાકાની એમ્બ્યુલન્સ મારફતે કાલોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.લોખંડના તારમાં કરંટ છોડવાથી કોઈ માણસનું મોત થઈ શકે છે તેવું જાણવા છતાં બેદરકારી દાખવી કરંટ ચાલુ રાખવા બદલ વેજલપુર પોલીસે કૂવા માલિક અર્જુનભાઈ શનાભાઈ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ એફ કટારાને સોંપી છે. અકાળે યુવકનું મોત થતાં સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Back to top button
error: Content is protected !!