KALOL(Panchamahal)PANCHMAHAL

સોશિયલ મીડિયા પર બફાટ ભારે પડ્યો: વેજલપુર વોર્ડ નંબર પાંચના સભ્ય નિશાંત શાહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ.

 

તારીખ ૧૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી સમાજમાં શાંતિ અને ગરિમા જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે એક જવાબદાર પંચાયત સભ્ય જ ભાન ભૂલ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫ ના હાલના સભ્ય નિશાંતકુમાર સંજયકુમાર શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત નો.કો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ દસ્તાવેજ અને ફરિયાદની વિગતો અનુસાર, વેજલપુરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને વેપાર-ધંધો કરતા ૧૯ વર્ષીય યુવક ગૌતમ હરીકિશન સેવાની ગત તારીખ ૦૮/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૯:૨૨ વાગ્યાના અરસામાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ (WhatsApp) પર ‘યુવા ક્રાંતિ ગ્રૂપ’માં મેસેજ કરી રહ્યો હતો. તે સમયે આ જ ગામના પંચાયત સભ્ય આરોપી નિશાંતકુમાર શાહે તમામ મર્યાદાઓ ઓળંગીને ફરિયાદી ગૌતમને મેસેજમાં જાહેરમાં “બાયલા” કહીને સંબોધ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદી તેમજ તેમના સમગ્ર સમાજને નિશાન બનાવીને અત્યંત નીચલા સ્તરની અને માનહાનિકારક ભાષાનો પ્રયોગ કરી ઉશ્કેરણીજનક બિભત્સ અપશબ્દો કહ્યા હતા ત્યારે એક જવાબદાર પદ પર બેઠેલા પંચાયત સભ્ય દ્વારા આવા શરમજનક શબ્દોનો પ્રયોગ થતાં ફરિયાદી અને તેમના પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને ઊંડી ઠેસ પહોંચી હતી. આ કૃત્ય દ્વારા સમાજમાં અંદરોઅંદર વેરભાવ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે ફરિયાદી ગૌતમ સેવાનીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ ઘટના ડિજિટલ પ્લેટફોર્મ પર બની હોવાથી તેમની પાસે વ્હોટ્સએપ ચેટના તમામ સ્ક્રીનશોટ્સ પુરાવા તરીકે ઉપલબ્ધ છે, જે તેઓ તપાસ દરમિયાન પોલીસ સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરશે.ભોગ બનનાર યુવક ફરિયાદ આપવા આવતા વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી નિશાંત સંજયકુમાર શાહ (રહે. વેજલપુર) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩ – ૩૫૨ (ગુનાહિત બળજબરી કે અપમાનજનક વર્તન) મુજબ ગુનો નોંધી દીધો છે. આ મામલે આગળની કાયદેસરની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચલાવી રહ્યા છે.જનપ્રતિનિધિ તરીકેની ગરિમા ભૂલીને કાયદો હાથમાં લેનારા પંચાયત સભ્ય સામે પોલીસે કડક વલણ અપનાવતા સમગ્ર પંથકના રાજકારણમાં અને સોશિયલ મીડિયા ગ્રૂપોમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.

Back to top button
error: Content is protected !!