પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રી-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ*
વરસાદ, પુર, વાવાઝોડા અને કુદરતી આફતોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારી*
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, ગુરૂવાર ::* આગામી ચોમાસાની ઋતુની પૂર્વતૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી આપત્તિ સમયે કરવાની થતી યોગ્ય તૈયારીના આયોજન અને વ્યવસ્થાપન માટે સૂચનો અપાયા હતા. ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય તમામ કામગીરી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય, શહેરી, તાલુકા સ્તરે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની જરૂરી ચર્ચા કરી તે સંદર્ભે જિલ્લાના સાતેય તાલુકા માટે મામલતદારશ્રીઓને માર્ગદર્શક સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ સાતેય તાલુકાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસાની ઋતુને અનુલક્ષીને યોગ્ય વ્યવસ્થાતંત્ર કાર્યરત કરવા અંગેની જવાબદારી સોંપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને વરસાદના આંકડા ચોકકસ મળે તે માટે વરસાદમાપક યંત્રની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા, રાહત-બચાવનાં ભારે વાહનો ઉપકરણોની યાદી તેમજ ક્ષતીયુક્ત ઉપકરણોની દુરસ્તી કરવા અંગે તથા રાહત કામ માટે ઉપયોગમાં લેવાનાર તમામ સાધન સામગ્રી જેમ કે, વાહન, હોડીઓ, લાઇફ્ બોટ, લાઇફ્ જેકેટ, બુલડોઝર, જનરેટર વગેરેની અધ્યતન યાદી તૈયાર રાખવા સૂચના આપી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ અંગે, નાળાં, કાંસ, ગટર વગેરેની સાફ સફાઇ, મરામત કરાવવા તથા પાણીનો ભરાવો થતો હોય તે વિસ્તારો ગામ-એપ્રોચ રોડની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. તરવૈયાઓ, NGO ની યાદી તૈયાર રાખવા, ડ્રેનેજ પંપ, ચકાસણી બાબત અને પ્રમાણપત્ર મોકલી આપવા બાબત, માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની નોંધણી, તમામ ડેમના ગેટો અંગેની ચકાસણી કરવા, વરસાદી સીઝનમાં હેડ કવાર્ટર પર હાજરી વગેરે અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં.
આ બેઠકમાં વીડીએમપી, ટીડીએમપી અને સિડીએમપી પ્લાન અપડેટ કરવા, રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી, રોડ-રસ્તાનું સમારકામ અને લેવલીંગ, પાણીના નિકાલના માર્ગો અડચણમુક્ત કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા, કંટ્રોલરૂમની કામગીરી, બચાવ-રાહત અને પુનઃસ્થાપનની કામગીરી,રાહતવિતરણ, આરોગ્યવિષયક સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને ભોજન-વ્યવસ્થા, અવિરત વીજપુરવઠો અને સંદેશા-વ્યવહાર જરૂર પડે તો રસ્તાઓનું ડાયવર્ઝન આપવું, એસ.ટી.બસોની કામગીરી જળવાઈ રહે સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે. પટેલ, પ્રાંત અધિકારી સર્વશ્રી સહિત સબંધીત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.