PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના મિઠાલી ગામે નાકાબંધી દરમિયાન ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો: ૨.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મિઠાલી ગામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી એક સફળ નાકાબંધી દરમિયાન ગેરકાયદેસર રીતે પાસ-પરવાનગી વગર અનામત ખેરના લીલા તાજા કાપેલા ટુકડા તેમજ પચરાઉ ઝાડોના લાકડા ભરીને જઈ રહેલો એક ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. વન વિભાગે ટેમ્પો અને લાકડા સહિત અંદાજે રૂપિયા ૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ શ્રીસરકાર હસ્તક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીની વિગત એવી છે કે શહેરાના પરિક્ષેત્ર વન અધિકારી (RFO) શ્રી વી. જી. ગઢવી સાહેબની આગેવાનીમાં ખાંડીયા રાઉન્ડનો સ્ટાફ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન વન વિભાગની ટીમને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને મિઠાલી ગામે વ્યૂહાત્મક નાકાબંધી ગોઠવી દીધી હતી.

નાકાબંધી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પો નંબર GJ- 03 U 6691 ને રોકીને તપાસ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ જ્યારે ટેમ્પો ચાલક પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ કે વન વિભાગની પરવાનગીના દસ્તાવેજો માંગ્યા, ત્યારે ડ્રાઈવર કોઈ પણ પ્રકારના કાયદેસરના પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આથી વન કર્મચારીઓએ ટેમ્પોની પાછળ ભરેલા માલની બારીકાઈથી તપાસ કરતા તેમાંથી અનામત શ્રેણીમાં આવતા ખેરના લીલા અને તાજા કાપેલા ટુકડા તેમજ પચરાઉ ઝાડોના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ગેરકાયદેસર વન પેદાશની હેરાફેરી બદલ વન વિભાગે ટેમ્પો અને લાકડાનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે લાવીને મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર સરપ્રાઈઝ દરોડા અને પેટ્રોલિંગની કામગીરીમાં પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી. જી. ગઢવી સાથે ખાંડીયાના રાઉન્ડ ફોરેસ્ટર શ્રી આર. એસ. ચૌહાણ તથા ખાંડિયા બીટ ગાર્ડ શ્રી જી. ટી. પરમાર સહિતનો વન સ્ટાફ હાજર રહ્યો હતો. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક લાકડા ચોરો અને ગેરકાયદેસર હેરફેર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!