HALOLPANCHMAHAL

હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૬.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમીટ અંતર્ગત પંચમહાલ જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી.પંચમહાલ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે ,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩ માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, ત્યારે તેમનું વિઝન ઉદ્યોગો સ્થાપીને રાજ્યના યુવાનોને રોજગારી આપવાનું હતું. આજે સૌના સાથ, સહકાર અને ઉદ્યોગકારોના સહયોગથી પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ મિશન ખૂબ જ સફળ સાબિત થયું છે.પ્રભારી મંત્રીએ હાલોલ અને તેની આસપાસના વિસ્તારોમાં વિકસેલા ઉદ્યોગોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ઉદ્યોગોના કારણે સ્થાનિક લોકોને રોજગારીની મોટી તકો મળી રહી છે.પહેલાં જ્યાં ઉદ્યોગો માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત હતા, ત્યાં હવે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી જિલ્લા મથકો અને નાના ગામડાઓ સુધી પણ ઉદ્યોગો વિસ્તર્યા છે, જેનાથી ગરીબ અને સામાન્ય પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે.વધુમાં તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૩ થી શરૂ થયેલી આ પહેલથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું અનિવાર્ય છે, જે માટે રાજ્ય સરકાર ઉદાર હાથે ગ્રાન્ટ ફાળવીને ઉદ્યોગલક્ષી ઉત્તમ નીતિઓ બનાવી રહી છે. ઉદ્યોગોના વિકાસથી સ્થાનિક સ્તરે, ખાસ કરીને હાલોલ અને પંચમહાલ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે.વધુમાં તેમણે ઉદ્યોગોના નાના-મોટા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રની સક્રિય ભૂમિકાને બિરદાવી હતી.જિલ્લા કલેક્ટર અજય દહિયાએ તમામ મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અંતર્ગત પંચમહાલ અને ખાસ કરીને હાલોલ-કાલોલ વિસ્તારને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઇનોવેશન પાવરહાઉસ બનાવવાનો લક્ષ્યાંક છે, જેનાથી વિસ્તારમાં નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે. જેન લઈને જિલ્લા વહીવટી તંત્ર ઉદ્યોગો માટે બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડશે તેવી તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે વિવિધ કંપનીનાં અગ્રણીઓએ પોતાના બિઝનેસની સાફલ્ય ગાથા ઉપસ્થિતિ લોકો સામે પ્રસ્તુત કરીને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી બિઝનેસ ફ્રેન્ડલી અભિગમની સરાહના કરી હતી.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર તથા ખાનગી એકમો સાથે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મહાનુભાવોના વરદહસ્તે ઔધોગિક એકમોને આપેલ યોજનાકીય આર્થિક સહાયના વિવિધ લાભાર્થીઓને ચેક રેપલીકા આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં પ્રભારી મંત્રી સહિતના મહાનુભવોએ પોલીકેબ કંપની કેમ્પસ ખાતે ઉભા કરાયેલા વિવિધ કંપનીના સ્ટોલની મુલાકાત કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ જશવંત પરમાર, એમએસએમઇ કમિશનર શિપ્રા અગ્રે,જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!