કાલોલ તાલુકાના સણસોલીમાં ડીજેના વિવાદે લીધું હિંસક સ્વરૂપ, હુમલો અને પથ્થરમારાની ઘટનામાં ચાર ઈસમો સામે કાર્યવાહી.

તારીખ ૧૧/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને “તું મોટો દાદો થઈ ગયો છે?” તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી.જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ, ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને “આજે તને જીવતો નહીં છોડીએ” તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








