કાલોલ તાલુકાના સુરેલી ગામે સીસી રોડની કામગીરીમાં ભેદભાવનો ગ્રામજનો દ્વારા આક્ષેપ.

તારીખ ૨૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં આવેલા સુરેલી ગામે હાલમાં ચાલી રહેલી સિમેન્ટ કોંક્રિટ રોડની કામગીરીમાં ભારે ગેરરીતિ અને પક્ષપાત થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિક શાસક પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કથિત મિલીભગતના કારણે ગામમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ પક્ષપાતી વલણને કારણે પાયાની સુવિધાઓથી વંચિત રહેલા સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેલી ગામમાં વચલા ફળીયાથી, મહાદેવ રોડ, પંચાલ ફળિયું, દૂધની ડેરી સુધી બની રહેલા નવા સીસી રોડની કામગીરી દરમિયાન સત્તાધારી પદાધિકારીઓના માનીતા લોકોના ઘર સુધી રોડ છેક અડીને બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ, ગામના સામાન્ય માણસોના ઘર પાસે રોડ બનાવવાની વાત આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓ દ્વારા કાયદા અને વિવિધ નિયમો આગળ ધરવામાં આવે છે. સામાન્ય નાગરિકોના ઘર આગળ નિયમોનું બહાનું કાઢીને રોડની જગ્યા જાણીજોઈને ખાલી છોડી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાઓ પર હાલમાં નિયમોનું બહાનું કાઢીને ખાલી જગ્યા છોડવામાં આવી છે, ત્યાં અગાઉના સમયમાં પૂરેપૂરો સીસી રોડ બનેલો જ હતો. આમ છતાં, સત્તાના જોરે આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સત્તાધારીઓ પોતાના અંગત લોકો માટે સરકારી બાબતોમાં નિયમો નેવે મૂકી રહ્યા છે અને સામાન્ય પ્રજાને નિયમોના પાઠ ભણાવી અન્યાય કરી રહ્યા હોવાની ચર્ચાએ હાલ પંથકમાં જોર પકડ્યું છે. તંત્ર દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસ કરી સમાન ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.








