HALOLPANCHMAHAL

હાલોલની MG મોટર્સ ખાતે ‘વિકસિત ભારત રોજગાર યોજના’ અંતર્ગત ઇન્સેન્ટિવ વિતરણ કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત રોજગાર યોજના યુવાનોના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણનું મહાઅભિયાન: સાંસદ રાજપાલસિંહ જાદવ,EPFO વડોદરા દ્વારા હાલોલ ખાતે રોજગાર પ્રોત્સાહન વિતરણ: ગુજરાતના ૬૧ હજાર સહિત દેશના લાખો યુવાનોને સામાજિક સુરક્ષાનો લાભ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૬.૨૦૨૬

સાંસદ રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત રોજગાર યોજના” અંતર્ગત હાલોલ સ્થિત એમજી મોટર્સ (MG Motors) ખાતે એક વિશેષ ઇન્સેન્ટિવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું આયોજન EPFO ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત રોજગાર યોજના દેશના યુવાનોને રોજગારી સાથે જોડવાની એક મહત્વપૂર્ણ પહેલ છે. ગુજરાતમાં અંદાજે ૬૧ હજાર યુવાનો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, સાથે જ હજારો નોકરીદાતાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે, સ્ટાર્ટઅપ, MSME, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને કૃષિ ક્ષેત્રમાં ઊભી થયેલી નવી તકોને કારણે રોજગારીના અનેક નવા માર્ગો ખુલ્યા છે. યુવાનો નોકરીમાં સતત જોડાયેલા રહે અને નવો અનુભવ મેળવે તે હેતુથી આ યોજના અંતર્ગત રૂ. ૧૫,૦૦૦ની સહાય બે હપ્તામાં સીધી બેંક ખાતામાં આપવામાં આવી રહી છે.આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને દેશભરના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન એ જણાવ્યું હતું કે, “આ યોજના માત્ર રોજગાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના યુવાનોના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ અભિયાન છે.” તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૭૦ લાખથી વધુ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો છે, જ્યારે ૨૦ લાખથી વધુ યુવાનોએ પોતાની પ્રથમ નોકરીના ૬ મહિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અંતર્ગત અંદાજે ૧૦ લાખ યુવાનોને પ્રોત્સાહન રકમ આપવામાં આવી રહી છે અને રૂ. ૨,૪૦૦ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવી છે.વડાપ્રધાનએ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇકોનોમી જેવી યોજનાઓને કારણે દેશમાં ઉત્પાદન, નિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેમણે સરકાર, ઉદ્યોગજગત અને યુવાનોને સાથે મળીને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે સંકલિત પ્રયાસો કરવા અપીલ કરી હતી.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. નવા ભારતના નિર્માણમાં સરકાર શ્રમિકો અને ઉદ્યોગજગત બંનેને ‘રાષ્ટ્ર નિર્માતા’ તરીકે જુએ છે. નવા શ્રમ કાયદા (લેબર કોડ) દ્વારા મહિલાઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન, સામાજિક સુરક્ષા અને અન્ય કલ્યાણકારી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલમાં દેશમાં ૯૪ કરોડથી વધુ શ્રમિકોને સામાજિક સુરક્ષાનો લાભ મળી રહ્યો છે અને ભારતના શ્રમ સુધારાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.એમજી મોટર્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે યુવાનોને વિકસિત ભારત રોજગાર યોજનાનો મહત્તમ લાભ લઈ દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓ તેમજ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન સહાય અને ઇન્સેન્ટિવનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલના પ્રાંત અધિકારી જે.ડી. પટેલ, મોટી સંખ્યામાં યુવાનો, નોકરીદાતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!