ગોધરામાં પ્રાકૃતિક ખેતીને વેગ: બામરોલી રોડ પર નવા ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
ગોધરા શહેરની જનતાને શુદ્ધ, સાત્વિક અને કેમિકલમુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે શહેરના બામરોલી રોડ પર વધુ એક પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આત્મા પ્રોજેક્ટ કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ કેન્દ્ર શરૂ કરાયું છે.
બામરોલી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રામસિંગભાઈ અને તેમના સાથી ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરાયેલા શાકભાજીનું અહીં સીધું વેચાણ કરવામાં આવશે. હાલ આ સ્ટોલ પર રીંગણ, મરચા અને ટામેટા જેવી પેદાશો ઉપલબ્ધ છે, જ્યારે આગામી દિવસોમાં અન્ય ઋતુગત શાકભાજી પણ સામેલ કરવામાં આવશે. ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તંત્ર દ્વારા તેમને સ્ટેન્ડી સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
નોંધનીય છે કે ગોધરામાં અગાઉથી જ બે સ્થળોએ પ્રાકૃતિક પેદાશોનું સફળ વેચાણ થઈ રહ્યું છે.જેમાં રેલ્વે સ્ટેશન ખાતે”વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ અહીં નિયમિત સ્ટોલ કાર્યરત છે.જ્યારે કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સાપ્તાહિક ધોરણે શાકભાજી, ધાન્ય પાકો, ફળફળાદી અને હળદરનું વેચાણ કરવામાં આવે છે.
આ કેન્દ્રોના માધ્યમથી ખેડૂતો સીધું વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે ઝેરમુક્ત આહાર મળી રહ્યો છે.
ગોધરા શહેરની જાહેર જનતા પોતાના સ્વાસ્થ્યને જાળવવા અને રાસાયણિક ખેતીના જોખમોથી બચવા માટે આ પ્રાકૃતિક કૃષિ પેદાશોનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો અનુરોધ આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.







